(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ,તા.૪
ખેડૂતોના દેવા માફી, અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ગુજરાત ભરના પાટીદારો દ્વારા એક પછી એક ગામો અને શહેરોમાંથી સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે ઉપવાસ આંદોલનના અગિયારમાં દિવસે પણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર, વડવાસા, નનાનપુર, તાજપુર તેમજ તલોદ તાલુકાના વલીયમપુરા ખાતે પણ પાટીદાર સમાજના ભાઇ-બહેનો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પલ્લાચર, તાજપુર, વડવાસા ખાતે રહેતાં પાટીદાર સમાજના ભાઇ-બહેનો યુવાનો દ્વારા એક દિવસના ઉપવાસ કરી રામધૂન બોલાવી હતી. તો નનાનપુર ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ સાથે હાર્દિક પટેલના આયુષ્ય માટે મહા મૃત્યુંજયના પાઠ કરવામાં આવ્યાં હતા અને રાત્રીના સમયે થાળી વેલન વગાડીને સરકારને જગાડવામાં આવશે. તો તલોદના વલીયમપુરા ખાતે રહેતાં પાટીદાર સમાજના લોકો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ સાથે રામધૂન બોલાવી હતી.