અમદાવાદ, તા.૭
હાર્દિક પટેલના ઉપવાસને હવે રાજ્યભરમાંથી સમર્થન મળવા લાગ્યું છે. પાસના સમર્થકો હવે રસ્તાઓ પર ઉતરી રહ્યાં છે. હાર્દિકના ઉપવાસના પગલે સરકાર સામે પણ લોકોની નારાજગી વધી છે. આ દરમિયાન ઉપલેટા શહેરમાં સૌરાષ્ટ્ર પાસના વરિષ્ઠ આગેવાન દ્વારા હાર્દિકના સમર્થનમાં સરકારને આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીરાપા પ્લોટ વિસ્તારમાં રહેતા પટેલ અમુભાઈ ગજેરા દ્વારા અમદાવાદના નિકોલ ખાતે હાર્દિક પટેલ છેલ્લા ૧૪ દિવસથી પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફ કરવા માટે ઉપવાસ પર બેઠા છે. પરંતુ ઘોર નિંદ્રામાં સૂતેલી સરકારના પેટનું પાણી પણ હલતું નથી. હાર્દિકના સમર્થનમાં ઘણી જગ્યાએ પાટીદાર યુવાનો માથા પર મુંડન કરાવે છે, તેમજ માનતાઓ રાખે છે.
ઉપલેટા શહેરના સૌરાષ્ટ્ર પાસના વરિષ્ઠ આગેવાન પટેલ અમુભાઈ ગજેરા દ્વારા તા. ૧૦/૯/’૧૮ ને સોમવારના રોજ રાજકોટ ખાતે આવેલા મુખ્યમંત્રીના બંગલે બપોરે સાડા ચાર કલાકે આત્મવિલોપન કરશે એવી ગર્ભિત ચીમકી આપી છે. વધુમાં જણાવ્યું છે કે આ કોઈ મજાક નથી કે કોઈ આત્મવિલોપન કરવાનો શોખ નથી. પરંતુ અમારો ભાઈ પાટીદાર સમાજને અનામત અપાવવા માટે તેમજ ખેડૂતોના દેવા માફ કરવા માટે જો ઉપવાસ કરી શકતો હોય તો અમે આટલું નાનું કાર્ય કેમ ના કરી શકીએ ? હાલ અમુભાઈ ગજેરા ફરાર હોય, જે તેમના નિર્ધારિત સમય અને સ્થળે હાજર થશે. જેની ઉપલેટા પોલીસ શોધખોળ કરવા હરકતમાં આવી છે.