(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩૦
રાજ્યમાં ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમાજને અનામત આપવા માટે હાર્દિક પટેલ દ્વારા અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને આજે સતત છઠ્ઠા દિવસે આમરણાંત ઉપવાસ રાખ્યા છે હાર્દિકના સમર્થનમાં સુરતમાં ઠેર-ઠેર પાટીદારો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે.
પાસના કન્વીનર હાર્દિક પટેલ અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને સતત છ દિવસની આમરણાં ઉપવાસ પર છે. ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમાજને અનામતના મુદ્દે હાર્દિકના ઉપવાસને સમગ્ર રાજ્યમાં પાટીદારોનું સમર્થન મળી રહ્યાં છે. પાટીદાર સમાજના આગેવાનો અને પાસના જિલ્લાવાઈઝ કન્વીનરોને અમદાવાદ ખાતે ઉપવાસ સ્થળે જતા પોલીસ અટકાવી રહી છે. હાર્દિકની અપીલના પગલે પાટીદારોને પોત પોતાના ઘરે, સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ઉપવાસ બેસવા જણાવ્યું છે. સુરતમાં પણ પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પ્રતિક ઉપવાસ પર બેસીને પાટીદારો હાર્દિકના આમરણાંત ઉપવાસને સમમર્થન આપી રહ્યાં છે. શહેરના મોટાવરાછા, કતારગામ, આંબા તલાવડી, સરથાણા યોગીચોક બાદ ડભોલી વિસ્તારમાં આવેલ હરીદર્શન સોસાયટી, સૂયર્છમ એપાર્ટમેન્ટમાં પાટીદારો સવારથી સાંજ સુધી પ્રતિક ઉપવાસ પર બેઠા છે. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે સતત છઠ્ઠો દિવસથી ઉપવાસના પગલે હાર્દિકની તબીયત લથડી રહી છે. પાટીદારો હાર્દિકની તબીયતને લઈને ચિંતિત દેખાઈ રહ્યાં છે. આજે પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં શહેરના પાટીદાર કાર્યકરો જોડાયા છે.