(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૧
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રામદાસ અઠાવલે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે હાર્દિક પટેલના આમરણાંત ઉપાવસને લઈને ચોંકાવનારૂં નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે ભાજપમાં જોડાઈ જવું જોઈએ અને પાટીદારોને રપ ટકા અનામત મળવી જોઈએ. હાર્દિક પટેલને વડાપ્રધાન મોદી પાસે લઈ જવા એક મધ્યસ્થી તરીકે પોતે તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન વેગ પકડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને તે માટે પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઊતર્યા છે. તેમના સમર્થનમાં રાજ્યમાંથી તથા રાજ્ય બહારથી પણ લોકો આવી રહ્યા છે અને દિવસે-દિવસે તેમનું આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે આજે ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ યોજેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ હાર્દિક પટેલ તથા ઉપવાસ તથા પાટીદાર અનામત મુદ્દે સવાલો કરતાં તેમણે ગુજરાતની ભાજપ સરકારની વર્તમાન સ્ટેન્ડની બિલકુલ વિપરીત નિવેદન આપતા આશ્ચર્ય સર્જાયું છે. મંત્રીએ પાટીદારોને અનામત મળવી જોઈએ. તેની તેઓ તરફેણ કરતા હોવાનું સ્પષ્ટ જણાવી ઉમેર્યું હતું કે, એસસી/એસટી અને ઓબીસીને નુકસાન ન પહોંચે તે રીતે તેઓને અનામત આપવી જોઈએ. પાટીદારોને રપ ટકા સુધીની અનામત આપવાની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અનામત આપવી એ રાજ્ય સરકારના હાથમાં નથી. સવર્ણોને અનામત આપવાની તરફેણ કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રપ ટકા અનામત અપાય અને તેમાંથી ૧૭ ટકા પાટીદારો અને બાકીનું બીજા સવર્ણોને આપી સરકારે સમાધાન કરવું જોઈએ. તેવી સલાહ પણ તેમણે આપી હતી. અનામતમાં આઠ લાખની લિમીટ રાખવાનો મુદ્દો પણ તેમણે ઉમેર્યો હતો. વધુમાં મંત્રી અઠાવલેએ પોતે હાર્દિક પટેલને અહી આવ્યા છે તો મળવાનો પ્રયત્ન કરશે તેમ જણાવી કહ્યું કે, તેઓ મીડિયેટર તરીકે હાર્દિકને પીએમ મોદી પાસે લઈ જવા તૈયાર છે. કેન્દ્રની ચૂંટણી અગાઉ વડાપ્રધાન મોદી સાથે અનામત મુદ્દે તેઓ મળીને ચર્ચા કરશે. તેમ જણાવી મહારાષ્ટ્રમાં ચાલી રહેલ અનામત આંદોલનથી સરકારને નુકસાન થયું હોવાનો એકરાર પણ કર્યો હતો.