અમદાવાદ,તા.૭
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગ સાથે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે ઉપવાસના ૧૪મા દિવસે ખોડલધામના નરેશ પટેલે હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાત લઈ હાર્દિક અને પાસના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ નરેશ પટેલ મીડિયા સમક્ષ હાર્દિક ટૂંક સમયમાં પારણા કરશે અથવા હોસ્પિટલમાં દાખલ થશે તેવું જણાવ્યું હતું. જો કે નરેશ પટેલ હજુ ગ્રીનવુડની બહાર નીકળે તે પહેલા જ હાર્દિકની તબિયત અચાનક લથડી જતા તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. એટલે હાર્દિકના ઉપવાસ મામલે સમાધાનની જાણે ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવી હોય તેના ભાગરૂપે જ હાર્દિકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાઓ વેગવંતી બની છે.
ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે સહિતની માગણીઓ સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ ગત ૨૫ ઓગસ્ટથી ગ્રીનવુડ રેસ્ટોરન્ટ ખાતે આવેલા પોાતના નિવાસ સ્થાને ઉપવાસ ઉપર હતો. આજે શુક્રવારે હાર્દિક પટેલના ઉપવાસનો ૧૪મો દિવસ છે. જોકે, હાર્દિક પટેલની તબિયત વધારે બગડતા હાર્દિક પટેલને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ હાર્દિક પટેલની સારવાર માટે લાગી ગઇ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાર્દિક પટેલને સ્ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોની ટીમ દ્વારા તેની પ્રાથમિક સારવાર કરાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉપવાસના ૧૪માં દિવસે પાટીદાર અગ્રણી અને ખોડલધામના નરેશ પટેલે હાર્દિક પટેલ સાથે ચર્ચા કરાઇ હતી.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારી રીતે પૂર્ણ કરીને સમેટવા માટે નરેશ પટેલે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકને પારણાં કરવા વિનંતી કરવા આવ્યો છું. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા સાથે મળીને પ્રયાસ કરશે. આ મામલે હજુ સુધી સરકાર દ્વારા મધ્યસ્થીની તેમને કોઈ ઓફર ન આવી હોવાનું જણાવ્યું હતું.
હાર્દિક સાથે મુલાકાત બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમિયાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે.
હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો.
૧૪ દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનું આજે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે આજે હાર્દિક પટેલને હોસ્પિટલમાં એડમિટ થવું જોઈએ. હાર્દિક પટેલની તબીયત વધુ બગડી રહી છે. તો ડોક્ટરે એમ પણ જણાવ્યું હતું કે હાર્દિક પટેલે આજે વજન ચેક કરવા નથી દીધું. જો કે, નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિક પટેલ રાજી થયો હતો. હાલ તેને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે.