(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
ટીવી શો કોફી વીથ કરણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટીપપ્ણી કરનાર ક્રિકેટર હાર્દીક પંડ્યા સામે દેશ સહિત રાજ્યમાં પણ વિરોધ થઇ રહ્યો છે. આજે મહિલા સુરક્ષા સમિતિ દ્વારા શહેરના અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે હાર્દીક પંડ્યાનું પુતળુ બાળી વિરોધ કરવામાં આવ્યો હતો. ફેમસ ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવાનાં બનાવમાં ક્રિકેટર હાર્દીક પંડ્યાને ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. મહિલાઓ વિરુદ્ધ તેવો કરેલા આપતિજનક નિવેદન બાદ તેને ઓસ્ટ્રેલીયા સામેની વન-ડે સીરીઝમાંથી બાકાત કરાયો હતો. ત્યારે આ વિવાદે હવે જોર પકડ્યું છે. વડોદરામાં મહિલા સુરક્ષા સમિતિએ મહિલાઓની માફી માંગવાની માંગ સાથે હાર્દીક પંડ્યા વિરુદ્ધ ફોજદારી કેસ કરવાની ચિમકી ઉચ્ચારી છે તેમજ બરોડા ક્રિકેટ એસોસીએશનનાં સભ્યપદથી ક્રિકેટર હાર્દીક પંડ્યાને બરખાસ્ત કરવા માંગ કરી છે. આજે શહેરના અંબાલાલપાર્ક ચાર રસ્તા સામે મહિલા સુરક્ષા સમિતિ કાર્યકરોએ ક્રિકેટર હાર્દિક પંડ્યાના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ તેના વિવાદાસ્પદ નિવેદન બાદ બીસીસીઆઇ સમક્ષ બીનશરતી માફી માંગી ચૂક્યો છે.