અમદાવાદ, તા.૪
ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા કુંવરજી બાવળિયાએ બળવો કરીને કોંગ્રેસને બાય-બાય કરી દીધું છે. ભાજપમાં જોડાતાની સાથે જ બાવળિયાને મંત્રીપદ પણ મળી ગયું છે ત્યારે બાવળિયાના કેસરિયા કરવા મામલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિકે સોશિયલ મીડિયા ટ્‌વીટર ઉપર ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાનું સપનું જોનાર ભાજપ પોતે જ કોંગ્રેસયુક્ત થઈ ગઈ છે. એક નહીં બે નહીં પરંતુ પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના નેતાને મંત્રીપદ મળ્યું નહીં અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને તરત જ મંત્રીપદ આપવામાં આવ્યું ત્યારે ગુજરાત ભાજપના વરિષ્ઠ ધારાસભ્યની હાલત જોઈને બહુ દુઃખ થાય છે. વધુમાં હાર્દિકે ઉમેર્યું હતું કે, ભગતસિંહ અને નહેરૂને લઈને પ્રધાનમંત્રી મોદી જે બોલ્યા છે તે ખોટું નહીં પણ જૂઠ્ઠું છે. આપણા દેશમાં પ્રધાનમંત્રી ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદ સુધી જૂઠ્ઠું બોલી શકે છે. વધુમાં એક ટિ્‌વટમાં હાર્દિકે કહ્યું હતું કે પાટીદાર સમાજને આરક્ષણ અને આંદોલનમાં શહીદ યુવાનો માટે ન્યાયની માગ સાથે ચાલી રહેલી લડત લડતા રહીશું. કેમ કે લડત મારી નથી. આવનારી પેઢીની છે.