અમદાવાદ, તા. ૧૧
ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણી મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા આજે જળસમાધિ લે તે પહેલા જ તેમની અને હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. અટકાયત બાદ હાર્દિકે આક્ષેપ લગાવ્યો હતો કે, આ કાર્યક્રમ ન કરવા માટે મને રૂા. ૫૦ લાખની ઓફર થઈ હતી. લલિત વસોયાને રૂા. ૧ કરોડની ઓફર થઈ હતી.
હાર્દિકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “જળસમાધિનો કાર્યક્રમ ન કરવા લલિતભાઇ અને મને પૈસાની ઓફર કરવામાં આવી હતી. જેમાં મને ૫૦ લાખ અને લલિતભાઇને ૧ કરોડ રૂપિયાની ઓફર થઇ હતી. આ ઓફર અહીંના મિલ માલિકો અને ભાજપના મળતીયાઓ દ્વારા કરવામાં આવી હતી. ૨૫ ઓગસ્ટના કાર્યક્રમને રોકવા અત્યારથી સરકાર દ્વારા મારી અટકાયત કરી લેવામાં આવી છે.” અટકાયત બાદ હાર્દિક જણાવ્યું હતું કે, “૨૫મી ઓગસ્ટના રોજ અમારા ઉપવાસ કાર્યક્રમને રોકવા માટે સરકારના ઈશારે મારી ધરપકડ કરવામાં આવી હોઈ શકે છે. હું ફક્ત સમર્થન માટે આવ્યો હતો અને મને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો છે. હવે અમે ખેડૂતોના મુદ્દે આગામી સમયમાં મોટા કાર્યક્રમો કરીશું. સરકારે હંમેશાં પોલીસનો દુરૂપયોગ કર્યો છે. જનતા સમય આવ્યો સરકારને જવાબ આપશે. ૧,૨૦૦ કરોડની ઓફર સામે ૨૨ વર્ષનો છોકરો નથી ઝૂક્યો. જો મારે તોફાન જ કરવું હોય તો બાજુમાં જ ગોંડલ આવેલા રૂપાણીની સભામાં ૫ હજાર લોકોને લઇને ગયો હોત તો રૂપાણીને ભાગવાનો વારો આવ્યો હોત.