સુરત, તા.૨૧
કામરેજમાં રસ્તા પર ટાયરો સળગાવવા અને ચક્કાજામ કરવાના મુદ્દે આજે હાર્દિક પટેલ સુરતની કઠોર કોર્ટમાં હાજર રહ્યો હતો. કઠોર કોર્ટે હાર્દિકને રૂા. ૭૫૦૦ના બોન્ડ પર શરતી જામીન આપ્યા હતા. જેમાં આજે તારીખ હોવાથી હાર્દિક હાજર રહ્યો હતો. જેમાં વધુ સુનાવણી ૨૦ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે. કોર્ટમાં હાજર રહ્યા બાદ હાર્દિર પટેલ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાના ઘરની મુલાકાતે ગયો હતો. અને અલ્પેશના માતા-પિતાની મુલાકાત કરી હતી.
આ દરમિયાન પોતાના આમરણાંત ઉપવાસને લઈને હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, આગામી ૨૫મી તારીખે આમરણાંત ઉપવાસ તો થશે જ. સરકાર જગ્યા આપવા માગતી નથી. પરંતુ ભાજપ દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન કોઈ રાજકીય નથી કે કોંગ્રેસ પ્રેરિત પણ નથી.
૨૫મી ઓગસ્ટે ઉપવાસ આંદોલન માટે હાર્દિક પટેલની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લઇ રહી. હાર્દિકે ઉપવાસ માટે ઘરની બહાર ટેન્ટ લગાવ્યો તો, તે પણ જમીન માલિકે ના પાડી દેતા હટાવી દેવાયો છે.
તો બીજી તરફ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસની મંજૂરી માગી છે. જો કે હજુ મંજૂરી પર મહોર નથી લાગી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઇને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે.