અમદાવાદ, તા.૪
સરકાર પાસે કૌભાંડો કરવા માટે પૈસા હોય છે પરંતુ દીકરીઓને આપવા માટે રૂપિયા નથી એમ હિંમતનગરમાં દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારની મુલાકાત લીધા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિકે સરકાર ઉપર આકરા પ્રહાર કરી પીડિતાને ન્યાય અપાવવાની માંગ બુલંદ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં હિંમતનગરના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ઠાકોર સેના પણ આક્રોશ ઠાલવી રહી છે. ત્યારે ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે આજે પાસના હાર્દિક પટેલે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. સરકાર પર આકરા પ્રહાર કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી સહાય મળી નથી તે દુઃખની વાત છે. એટલે હું સરકારને વિનંતી કરૂં છું કે, આરોપીઓને એક મહિનામાં ફાંસીની સજા મળે તેવો ચુકાદો આવે. વધુમાં હાર્દિકે પીડિતાને જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલાઓ સાથે જે બનાવો બને છે તે દુઃખની વાત છે હું આજે એક ભાઈ તરીકે અહીં પીડિતાના પરિવારને મળવા આવ્યો છું. સરકાર મહિલાઓ સાથે ઉભી રહી શકતી નથી તેવું મને લાગે છે. સરકાર પાસે કૌભાંડો કરવા માટે રૂપિયા હોય છે પરંતુ આ પીડિત દીકરીઓને આપવા માટે રૂપિયા નથી. તેવો સરકાર પર સણસણતો આક્ષેપ હાર્દિકે કર્યો છે.