અમદાવાદ,તા.૮
પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે વખોડી છે. હાર્દિકે પરપ્રાંતિયો પર હુમલા કરનારાને પણ કડક સજા કરવાની માંગ કરી છે. હાર્દિક પટેલે સમગ્ર ઘટનાની નિંદા કરતા કહ્યું કે પરપ્રાંતિયો પર હુમલા પાછળ જો અલ્પેશ ઠાકોરનો હાથ હોય તો તે દુઃખની વાત છે. વધુમાં તેણે કહ્યું કે દોષિતોને કોઈ જાતિ કે ધર્મ સાથે જોડીને જોવા જોઈએ નહીં. બળાત્કારની ઘટનાના આરોપીને કડક સજા થવી જોઈએ. તેના માટે સમગ્ર દેશ પીડિત પરિવારની સાથે ઉભો છે. પરંતુ એક આરોપીના કારણે સમગ્ર પ્રદેશને ખોટો કહેવો યોગ્ય નથી. એક પાપીની સજા અનેક નિર્દોષ લોકોને આપવી જોઈએ નહીં. રાજયમાં જે સ્થિતિ પેદા થઈ છે તે માત્રને માત્ર રાજકીયરૂપ આપવા માટે છે. પરંતુ આ પ્રકારના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ. વધુમાં હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયારે બોલશે ? નરેન્દ્ર મોદીએ અગાઉ કહ્યું હતું કે બિહાર અને ઉત્તરપ્રદેશથી તેમનો જૂનો સંબંધ છે.