અમદાવાદ, તા.રર
પાટીદાર અનામત આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા હાર્દિકે કમર કસી છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની જાહેરાત બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવાની માંગ ઉઠી છે. ત્યારે હાર્દિક પટેલે પાસના રપ કન્વીનરો સાથે મળીને ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા માટે ઓબીસી કમિશન પંચને ૧૧ પાનાનો પત્ર આપીને રજૂઆત કરી છે. હાર્દિકે આ મુદ્દે કહ્યું હતું કે ઓબીસી કમિશને અમારી વાત સાંભળી છે. અમને સારો પ્રતિભાવ મળ્યો છે. મહારાષ્ટ્રની સરકારે મરાઠાઓને અનામત આપી છે. તેને જોતાં અમને પણ અમારી અનામતની લડાઈમાં સફળ થવાની આશા મળી છે.
પાટીદાર સમાજને અનામત મળે તે હેતુથી ગુરૂવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના તેના હાર્દિક પટેલ સહિત રપ કન્વીનરોની ટીમ સાથે અન્ય પછાત વર્ગો માટેના પાંચ એવા ઓબીસી કમિશનમાં જઈને રજૂઆત કરી હતી. અન્ય પછાત વર્ગના કમિશનના ચેરપર્સન સુજ્ઞાબેન ભટ્ટને હાર્દિક પટેલ સહિતની ટીમે ૧૧ પાનાનો પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજને આર્થિક અને સામાજિક રીતે પછાત ગણીને અનામત મળે તે માટે ઓબીસી કમિશનના સુજ્ઞાબેન ભટ્ટને રજૂઆત કરી તેમાં અમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. તેમણે અમારી વાતને સ્વીકારી છે કે ૪૯ ટકાથી વધુ અનામત મળી શકે છે. હવે અમે આશા રાખીએ છીએ કે ૪ વર્ષ જૂની મહારાષ્ટ્રની ભાજપ સરકાર મરાઠાઓ માટે વિચાર કરી અનામત આપી શકતી હોય તો ઓબીસી કમિશનના સર્વેના આધારે ર૩ વર્ષ જૂની ગુજરાતની ભાજપ સરકાર પાટીદારોને અનામત કેમ ના આપી શકે ? સરકાર પાટીદારોના હિતમાં વિચારે. બંધારણના નામે અત્યાર સુધી સરકારે પાટીદારોને ગુમરાહ જ કર્યા છે. વધુમાં વધુ હાર્દિકે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસ વિધાનસભા સત્રમાં પાટીદારોને અનામત મામલે ખાનગી બિલ લાવે.
જો કે ઓબીસી કમિશને હાર્દિકની રજૂઆતને પગલે એક અઠવાડિયામાં જવાબ આપવાનું જણાવ્યું છે.