સુરત,તા.૨૫
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને કિંજલ પરીખના આગામી ૨૭ તારીખે લગ્ન થવાના છે. ત્યારે સુરતની એક દિવસની મુલાકાતે આવેલા હાર્દિક પટેલની વરાછા પોલીસે ગેરકાયદેસર રેલી અને રાયોટીંગના ગુનામાં ધરપકડ કરી હતી. જોકે હાર્દિકને પોલીસ મથકમાંથી જામીન પર છોડી દેવામાં આવતા રાહતનો શ્વાસ હાર્દિકે અને પાટીદારોએ લીધો હતો.
પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના એક કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની વરાછા પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. વરાછા પો.સ્ટે. (ફસ્ટ પાર્ટ) ગુના રજીસ્ટ્રર નંબર ૨૦/૨૦૧૮નો ગુનો નોંધાયો હતો. આઈપીસીની કલમ ૧૪૩, ૧૪૫, ૧૪૯, ૧૫૨, ૩૪ (૧), ૧૮૬ મુજબ ગુનો દાખલ થયો હતો. તા ૧૦/૦૧/૨૦૧૮ના રોજ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા ચાર આરોપીઓ સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થયા હતાં. જેલ્મુક્તીને પગલે પાસ દ્વારા તેમના સ્વાગત બાદ રેલીની મંજુરી માંગવામાં આવી હતી. જોકે પોલીસે મંજુરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે પોલીસની મંજુરી ન હોવાથી છતાં પણ પાસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો જોડાયા હતા.
રેલી નીકળ્યા બાદ સમગ્ર વરાછા વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. સાથે જ પાટીદારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે તે જ દિવસે રાત્રે હાર્દિક સહિતના પાસના આગેવાનો સહિતના લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં હાર્દિક વોન્ટેડ હતો. દરમિયાન ગુરુવારે હાર્દિક સુરત આવ્યો હતો. જેથી તે વરાછા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં હાજર થયો હતો. હાર્દિક પટેલ પોલીસ મથકમાં હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેને પોલીસ મથકમાંથી જ જામીન આપવામાં આવતા તેનો છુટકારો થયો હતો.