અમદાવાદ,તા.૧૯
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની સભામાં પ્રવચન આપી રહેલા હાર્દિક પટેલને એક શખ્સે સ્ટેજ પર જઈને લાફો મારી દિધો હતો. તેને લિધે સભામાં હાજર લોકોએ લાફો મારનારા યુવકને ધોલાઈ કરી નાંખી હતી. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા હાર્દિકે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, વઢવાણ વિધાનસભાના બારદ ગામ ખાતે સભાને સંબોધન કરતી વેળા મારી ઉપર ભાજપે હુમલો કરાવ્યો. મને ખબર છે કે આજે ફક્ત લાફો મારવાનો પ્રયાસ થયો છે પરંતુ કાલે ભાજપ મને ગોળી મરાવશે. હું ખેડૂતો અને યુવાઓનો અવાજ ઉઠાવતો રહીશ. કોંગ્રેસમાં જોડાયો એટલે ભાજપ મને મારી નાખવા માંગે છે. હાર્દિક પર હુમલા બાદ તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ચાલુ સભામાં મારી ઉપર હુમલો થયો છે. એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. તો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોત, મારી સામે કાળાવાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે. વધુમાં હુમલો કરનારા વ્યક્તિ વિશે હાર્દિકે મીડિયાને કહ્યું હતું કે, હુમલો કરનારો શખ્સ ભાજપનો જ છે. ભાજપના નેતાઓ સાથે તેના ફોટા પણ છે. અને પાર્ટીઓ તેને જવાબદારી પણ સોપેલી છે. થપ્પડકાંડની ઘટનાને પગલે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને સુરક્ષા આપવાની સરકારી જાહેરાત કરી હતી. ત્યારે હાર્દિકે રાજ્ય સરકારની સુરક્ષા લેવાનો ઈન્કાર કરતા કહ્યું કે, આ સુરક્ષા મારી જાસુસી કરવાનો સરકારનો કારસો છે.