અમદાવાદ,તા.ર૯
અલ્પેશ કથિરિયાને જેલમાંથી છોડાવવા માટે પાટીદાર અગ્રણીઓની તા.૧મેના રોજ રાજકોટમાં બેઠક મળશે. ત્યારે ચૂંટણીને લઈને પ્રચાર છોડીને હાર્દિક પટેલ આ બેઠકમાં હાજર રહેશે. તદઉપરાંત આ બેઠક પાટીદાર સમાજના આગેવાનો હાજર રહીને અલ્પેશ કથિરિયાને જલમુકિત માટે ચર્ચા કરીને આગળની રણનીતિ તૈયાર કરશે. પાસ નેતા અલ્પેશ કથિરિયાની જેલમુકિત મામલે પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાશે. ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટ સાથે પાસના સભ્યોએ બેઠકનું આયોજન કર્યું છે. આગામી પહેલી મેના રોજ રાજકોટ સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો સાથે બેઠક થશે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના પાસના કન્વીનરો હાજરી આપશે. અલ્પેશ કથિરિયાને જેલમાંથી છોડાવવા માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. મહત્વનું છે કે, રાજદ્રોહના ગુનામાં જામીન મેળવ્યા બાદ પોલીસ અધિકારીઓ સાથે ગાળા-ગાળી કરવાના મામલે કોર્ટે અલ્પેશ કથિરિયાના જામીન રદ કરીને તેમને પુનઃજેલ હવાલે કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે.
ત્યારે તાજેતરમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે અમદાવાદના નિકોલ ખાતે સભા સંબોધી રહેલા હાર્દિક પટેલનો વિરોધ કરવા અલ્પેશ કથિરિયાના સમર્થકો આવ્યા હતા. અલ્પેશના સમર્થકોએ અલ્પેશની જેલમુકિત માંગ કરી હોબાળો મચાવ્યો હતો. ત્યારે હાર્દિક અને અલ્પેશના સમર્થકો સામ-સામે આવી ગયા હતા. ત્યાર બાદ હવે અલ્પેશ કથિરિયાની જેલમુકિત માટે પાટીદાર અગ્રણીઓની રાજકોટમાં બેઠક મળી રહી છે. ત્યારે ગુજરાત બહાર અન્ય રાજયમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા હાર્દિક પટેલ જાહેર કર્યું હતું કે તે ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર છોડીને અલ્પેશની જેલમુકિત માટેની બેઠકમાં હાજર રહેશે. તેમજ અલ્પેશની જેલમુકિત માટે બનતા તમામ પ્રયાસ કરશે.