(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
શહેરના અમરોલી રાજદ્રોહના ગુનામાં બુધવારે કોર્ટમાં તારીખ હોવાના કારણે હાર્દિક પટેલ પોલીસ બંદોબસ્ત સાથે હાજર થયો હતો. કોર્ટમાં હાજરી આપ્યા બાદ વધુ સુનાવણી તા.૩૦મી જુલાઇના રોજ રાખવામાં આવી છે. હાર્દિકે કોર્ટની બહાર જણાવ્યું હતું કે, જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવામાં કાચા પડ્યા છે. જેના કારણે હાર થઇ છે. લોકતંત્રના નિયમ પ્રમાણે હાર સ્વીકારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલીમાં પાટીદાર આંદોલન દરમિયાન ૨૦૧૫માં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં બુધવારે સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો અને જૂનાગઢમાં થયેલી કોંગ્રેસની હાર અંગે જણાવ્યું હતું કે, જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા હશે. કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. હાર-જીત લોકતંત્રનો નિયમ છે અને તેને સ્વીકારવામાં આવે છે. જૂનાગઢ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સાબિત કરવામાં કમજોર સાબિત થયા છીએ. પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ વિરૂદ્ધ અમરોલીમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેમાં ૨૬ જૂનના રોજ તારીખ હતી. જો કે, હાર્દિક પટેલ હાજર ન રહેતા ૨૪ જુલાઈની તારીખ પડી હતી. જેથી બુધવારે હાર્દિક પટેલ કોર્ટની કાર્યવાહીમાં હાજરી આપી હતી. કોર્ટ બહાર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જેટલા પણ કેસોએ તેમાં શાંતિપૂર્ણ રીતે ન્યાય પ્રક્રિયામાં સાથ આપવાનો પ્રયાસ છે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં હાજરી આપી છે અને કોર્ટ દ્વારા વધુ સુનાવણી ૩૦ જુલાઈના રોજ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.