અમદાવાદ,તા.ર૩
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે તા.ર૬ મેના રોજ પાસ દ્વારા પાટીદાર ન્યાય પંચાયતના નામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે એટલે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવા હાર્દિકે અત્યારથી કમરકસી લીધી છે જો કે પાસના નેતા હાર્દિક પટેલ માટે આ મહાસંમેલન અતિમહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે. કેમ કે આ સંમેલનથી હાર્દિકનું રાજકીય ભવિષ્ય નકકી થાય તેવી શકયતા છે. તેથી આ સંમેલન થશે તો હાર્દિક પટેલને આગળ વધવાની તક મળશે અને જો પાટીદારો હાર્દિક સાથે નહીં આવે તો હાર્દિકને ટૂંક સમયમાં જ રાજકીય પક્ષની મદદ લઈને લોકસભાની ચૂંટણીમાં વર્ચસ્વ બતાવવાની તૈયારીઓ કરવી પડશે. સંમેલનમાં હાર્દિક પટેલ સાથે મોટી સંખ્યામાં પાટીદાર ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ પાટીદાર સંમેલન પાછળનો મુખ્ય હેતુ આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે મોરચો માંડી પાસને મજબૂત કરી ભાજપને પરાસ્ત કરવાનો જોવા મળી રહ્યો છે ત્યારે સંમેલન સફળ બને તે માટે પાસના કાર્યકરો દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વિધાનસભામાં ભાજપે સત્તા જાળવી રાખતા પાસ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા આગવું આયોજન કરી રણનીતિ બનાવામાં આવી હોય અને તે માટે પાટીદાર પંચાયતના નામે સંમેલન બોલાવી પાસને મજબૂત કરવા માટેની શરૂઆત ધ્રાંગધ્રા મોટી માલવણમાંથી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદાર ઉપસ્થિત રહેશે. સંમેલન ઉપર ગાંધીનગરથી ચાંપતી નજર રાખવા માટે ગુપ્ત એજન્સીઓને કામે લગાડી દીધી છે અને નાનામાં નાની માહિતી એકત્ર કરાઈ રહી છે જો કે ધ્રાંગધ્રાનું પાટીદાર મહાસંમેલન હાર્દિકની રાજકીય કારકિર્દી ઘડશે કે પછી દરેક આંદોલનકારીની જેમ આંદોલન બાદ હાર્દિકને પણ લોકો ભૂલી જશે.