અમદાવાદ, તા.૧૧
વસ્ત્રાપુર રાયોટીંગ કેસમાં નાસતા ફરતા આરોપી અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયાનો સહારો લઇ ગુજરાત સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ગંભીર આક્ષેપ કર્યા હતા કે, ભાજપ સરકાર મને જેલમાં બંધ કરવા માંગે છે પરંતુ હું ભાજપ વિરૂધ્ધ જનતાની લડાઇ લડતો રહીશ. ગઇકાલે હાર્દિકની પત્ની કિંજલના પ્રહારો અને ટવીટ્‌ તેમ જ હવે હાર્દિકના ટવીટ્‌ ને પ્રહારોને લઇ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ટિ્‌વટ કરી લખ્યું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા પર થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માંગી હતી. પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. ૧૫ દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી. પરંતુ હું ઘરે નહોતો. જ્યારે બીજા ટિ્‌વટમાં લખ્યું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિન જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. પરંતુ હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ. જલ્દી મળીશું. જય હિન્દ ગઈકાલે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ ૫૦ ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. તા.૧૮ જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એકસંપ થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. કિંજલે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, જો હાર્દિકને કંઇપણ થયુ તો તેની તમામ જવાબદારી ભાજપ સરકારની હશે.