(સંવાદદાતા દ્વારા) અમદાવાદ. તા.૧૭
ચુકાદામાં હાઈકોર્ટનું અવલોકન હાર્દિક દ્વારા જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. હવે હાઈકોર્ટે જામીન અરજી ફગાવતા હાર્દિકની મુશ્કેલીઓ વધી.
હાર્દિક પટેલે હાઇકોર્ટમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ કેસમાં તેની ધરપકડ ન થાય તે માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેના પર અગાઉની સુનાવણીમાં સરકાર તથા હાર્દિકના પક્ષે રજૂઆતો પૂર્ણ થઈ ગઈ હતી જેમાં હાઈકોર્ટમાં સરકારે વિરોધ નોંધાવ્યો હતો કે અનેક ગુના હાર્દિક સામે નોંધાયેલ હોય હાર્દિકને જામીન ન આપવા જોઇએ. તો હાર્દિકના વકીલની રજૂઆત હતી કે, આના પેહલા અનેક મોકા હતા છતાં ધરપકડ હાર્દીકની કરવામા આવી નહિ. અન્ય કેસોમાં ધરપકડ બાદ જામીન મળેલ છે. બન્ને પક્ષે રજૂઆતો પૂર્ણ થતા હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સોમવારે હાઇકોર્ટ આગોતરા જામીન અરજી પર ચુકાદો આપતાં હાર્દિકની અરજી રિજેક્ટ કરી છે.
ઉલ્લખનીય છે કે, સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતાં, હાર્દિકે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હાઇકોર્ટમાં હાર્દિકના વકીલની રજૂઆત આના પેહલા અનેક મોકા હતા છતાં ધરપકડ કરી નહિ. અત્યારે અમને ખોટી રીતે પરેશાન કરાઈ રહ્યા છે. આગોતરા જામીન અરજીમાં રજૂઆત હતી કે રાજકીય અદાવતના કારણે સરકાર પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી રહી છે. સરકાર હાર્દિક સામે રાજકીય વેરવસૂલવા માટે આ કામગીરી થઇ રહી છે. હાઇકોર્ટ આ અંગે સરકારનો અભિપ્રાય માંગ્યો હતો. સરકારે હાર્દિકની અરજી ને લઈને કોર્ટમાં વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. સરકારની રજૂઆત હતી કે હાર્દિક સામે ગુજરાતમાં ૧૦ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને ૨૫મી ઓગસ્ટે સભાનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં તેણે સભા ચાલુ રાખી હતી. તેથી તેની આગોતરા જામીન અરજી મંજૂર કરી શકાય નહીં. રાયોટિંગ કેસમાં ધરપકડથી બચવા હાર્દિક પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં પોલીસ તરફથી સરકારી વકીલની રજૂઆત હતી કે ગ્રાઉન્ડ પર સભાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં આરોપીએ સભા ચાલુ રાખી હતી. આ ઉપરાંત અરજદાર આરોપી સામે ગુજરાતમાં કુલ ૧૦ પોલીસ ફરિયાદો નોંધાયેલી છે. હાર્દિકે આપેલા ઉશ્કેરણીજનક ભાષણના કારણે આ ગુનો બન્યો હતો. જો તેને જામીન પર મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ જાય તેમ છે. આ ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓની ધરપકડ અને તપાસ બાકી હોવાથી જામીન અરજી મંજૂર કરવી યોગ્ય નથી.
૨૫-૮-૨૦૧૫ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે થયેલી અનામત સભા સમયે વસ્ત્રાપુર પોલીસે હાર્દિક પટેલ સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટિંગ, ગેરકાયદે મંડળી, સરકારી અમલદારને ફરજમાં રૂકાવટ અને જાહેર સંપત્તિને નુકસાનના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી.