(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૯
હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ અમદાવાદના બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેર સભાનું આયોજન કરવા મુદ્દે કાર્યવાહી છે. હાર્દિક પટેલ વિરુદ્ધ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બિન જામીન વોરંટ જાહેર કર્યું છે. મહત્વની વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો નથી. જેને લઈ કોર્ટે હવે કાનૂની કાર્યવાહી કરી છે. જો કે, થોડા દિવસો પહેલાં હાર્દિકના પત્ની કિંજલ પટેલે પણ હાર્દિક ગુમ હોવાની ચિંતા જાહેર કરી હતી. હાર્દિક પટેલ લાંબા સમયથી ઘરે પહોંચ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છેકે હાર્દિક પટેલ સહિત ૫૦ પાટીદાર સામે બોપલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વગર પરમિશને રેલી કાઢતાં ફરિયાદ નોંધાઇ હતી. ચૂંટણી બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ સામે પેહલો ગુનો બોપલ પોલીસ મથકમાં નોંધાયો હતો. ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ દ્વારા અનેક શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યા હતા. હાર્દિક પટેલે મંજૂરી વગર બોપલથી નિકોલ સુધી બાઈક રેલી યોજી હતી. જેથી હાર્દિક પટેલ સહિત ૫૦ પાટીદારો સામે ફરિયાદ નોંધાઇ હતી.
તો બીજી તરફ નવ દિવસ બાદ વિસનગરમાં પણ હાર્દિક સહિત ૧૦૦ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. પુરષોતમ રૂપાલાની સભામાં થયેલા વિરોધ અને પથ્થરમારાને લઇને નવા ધારાસભ્યએ જીત બાદ કાર્યવાહી કરી હતી. હાર્દિક પટેલ સામે કાયદાનો ગાળિયો કસાતા હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે.