અમદાવાદ, તા.૨૫
ધ્રાંગધ્રા મોટી માલવણ ખાતે તા.૨૬ મેના રોજ પાટીદાર ન્યાય મહાપંચાયત યોજાવાની છે. જેના માટે હાર્દિક પટેલે ભાજપ-કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને ખુલ્લો પત્ર લખીને આ મહાપંચાયતમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે જ્યારે બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હટાવવાની ચર્ચાઓ વેગવંતી બની છે ત્યારે સોશિયલ મીડિયામાં નીતિન પટેલ પોતાના પદ પરથી રાજીનામું ધરીને પાટીદાર ન્યાય મહાપંચાયતમાં જોડાઈને હાર્દિકને સમર્થન આપશે તેવો હાર્દિક અને નીતિન પટેલના ફોટાવાળી પોસ્ટથી ચકચાર મચી ગઈ છે ત્યારે હાર્દિકે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલા પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. ભાજપે જ પોસ્ટર બનાવ્યું છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. જેમાં નીતિન પટેલ મહોરૂ બની રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેથળા ગામે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું કે, નીતિનભાઈ, પુરૂષોત્તમભાઈ સોલંકી, સીકે રાઉલજી અને બાબુ બોખીરિયા આ ચારેય મંત્રીઓ ભાજપની નીતિથી નારાજ છે. હવે પુરૂષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના કદાવર નેતા છે. એટલે કાયમ તેમને મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવે. સીકે રાઉલજી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છતાં તેમને કઈ ન આપવામાં આવ્યું નીતિનભાઈ તમામ વિરોધો બાવજૂદ મહેસાણા બેઠક જીત્યા, તેમને મુખ્યમંત્રી બનવાની લોલીપોપ આપવામાં આવી અને ભાજપનો ઈતિહાસ છે. ભાજપ સામે પાડનારા તમામનું કાસળ કાઢવાનું કામ ભાજપે કર્યું છે ચાહે તે કેશુભાઈ હોય ગોરધનભાઈ હોય, પ્રવિણભાઈ તોગડિયા હોય કે, હવે પછી નીતિનભાઈ પટેલ કેમ ન હોય. હાર્દિકે કહ્યું કે, કાલે જો તે મહાપંચાયતમાં આવતા હોય તો તેમનું સ્વાગત છે. આવીને સમાજની વચ્ચે બેસશે તો વેલકમ ન આવે તો ઝભ્ભા ફાટી જવાની તૈયારી રાખે. કોંગ્રેસના સોળે સોળ પાટીદાર ધારાસભ્યો હાજર રહેવાના છે. ભાજપના પણ અમારા ચાર જે મુખ્ય આગેવાનો જે સમાજના છે. તેમની પણ કયાંકને કયાંક તૈયારી છે. આવવાની જો નીતિનભાઈને મંત્રીપદમાંથી કાઢી મૂકશે તો તો હું દાવા સાથે કહું છું કે તેઓ અમારી સાથે ઊભા રહેશે અને તેમને ઊભું જ રહેવું પડશે નહીં તો ભાજપ એમને હેરાન કરી નાખશે.