રાજુલા, તા. ર૬
રાજુલામાં છેલ્લા ૩૧ દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનમાં રાજુલાએ આજે સભા કરી હતી, તેમાં પાસના પ્રણેતા એવા હાર્દિક પટેલની એન્ટ્રીથી કંઈકના હાંજા ગગડી ગયા હતા. જ્યાં હાર્દિક પટેલનું જોરદાર સ્વાગત કરીને ખેડૂત સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ નરેશ વિરાણી, ભરતસિંહ વાળા, અને કેતનભાઈ, મનુભાઈ ચાવડા, રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, પ્રવીણભાઈ બારૈયા, અશોકભાઈ ભાલીયા તમામ આગેવાનોનું પીપાવાવ ગામજનોએ અભિવાદન કર્યું અને તમામે ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. જે લોકો આમરણ ઉપવાસ કરી રહ્યા છે તેમને સમજાવ્યા કે પ્રતીક ઉપવાસ કરીએ અને આંદોલન ચાલુ રાખીએ, પણ જીલુભાઈ બારૈયા સહિત તમામ ઉપવાસકારીઓ એ પારણા કરવાની ના પાડી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ ચાલુ રહેશે. જાન દઈશું પણ જમીન નહીં દઈએ ના નારા સાથે ત્યાંથી સભા સ્થળે પહોંચ્યા અને અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ગામ ખેડૂતોના સમર્થનમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પીપાવાવ ગામ સહિત આજુબાજુના ૩૧ ગામોની ક્ષારયુકત પડતર ગામના સર્વેનંબરની જમીનો જી.એચ.સી.એલ. કંપનીને લીઝ પર ફાળવેલ જેની લીઝ વર્ષ ૨૦૧૧માં પૂરી થઈ ગઈ હોવા છતાં આ કંપનીએ વિના રોકટોક મીઠું પકવવાનું છેલ્લા આઠ વર્ષથી ચાલુ છે.
ગામની અન્ય જમીનો પણ ભૂમાફિયા એ કબજો કરીને ખેડૂતોને આ જમીન પર આવવા નથી દેતા અને આ ભૂમાફિયાને અહીંયાના ભાજપના નેતાઓ છાવરી રહ્યા છે. આ લડાઈ ભાજપના ભુમાફિયાના કબજામાંથી જમીન છોડાવવાની છે. ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે પરંતુ ખેડૂતો એ પણ આ મુદ્દે જાગૃત થવાની જરૂર છે.