અમદાવાદ, તા.૨૩
પાસના સભ્યોને ખરીદવા માટે ભાજપ દ્વારા સોદાબાજી થઈ રહી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હવે ભાજપના સોદાબાજીનો પર્દાફાશ કરવા માટે હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક કરી હોવાની ચર્ચાઓ વેગવંતી બની છે કેમ કે, રવિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલી એક જાણીતી હોટલમાં હાર્દિકના પ્રવેશનો સીસીટીવી વીડિયો બહાર આવ્યો છે. કોંગ્રેસના કેટલાક ચોક્કસ નેતાઓ સાથે બેઠક કરીને હાર્દિક પટેલે ભાજપનો ભાંડો ફોડવાની વ્યૂહરચના ગોઠવી હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જો કે રવિવાર રાતથી હાર્દિક પટેલ તાજ હોટલમાં રોકાયો હતો અને સોમવારે રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ તાજ હોટલમાં પહોંચ્યા હતા જ્યાં સોમવારે રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ વચ્ચે બેઠક થઈ હોવાની અટકળો પણ વહેતી થઈ છે કેમ કે, રવિવારે રાત્રે હાર્દિક પટેલ તાજ હોટલમાં પ્રવેશ્યો હોવાના અને સોમવારે બહાર નીકળ્યો હોવાના હોટલના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જો કે આ અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે મળવાનું થશે તો મળીશ અને જાહેરમાં મળીશ તેમાં કંઈ છુપાવવાની જરૂર નથી.

રાજ્ય સરકારના ઈશારે પોલીસ-આઈબીએ હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૩
પાસના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આજે બપોરે અને કોંગ્રેસના નેતાઓ સાથે ગતરાત્રે મુલાકાત કરી હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે રાજ્યની પોલીસ અને આઈબીએ રાજ્ય સરકારના ઈશારે હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, કોઈની પણ ખાનગી માહિતી મેળવવી એ પ્રાઈવેસીનો ભંગ છે. પરંતુ ગુજરાતની પોલીસ અને આઈબીએ હોટલ તાજમાંથી જે ફૂટેજ મેળવ્યા એ રીત ખોટી છે. રાજ્ય સરકારના ઈશારે ફૂટેજ મેળવવામાં આવ્યા છે.