પાટણ, તા.૩૦
પાટણ ખાતે યોજાયેલ શહીદોના શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિતનાઓ સામે તેમના જ એક સાથી કાર્યકર દ્વારા લૂંટ અને મોબાઈલ તોડફોડ-ગાળાગાળીની નોંધાયેલી ફરિયાદના ગુનામાં બંનેની અટકાયત બાદ દિવસભર સમી પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા હતા અને રાત્રિના ૯ કલાકે પાટણ એડિશનલ ડિસ્ટ્રીકટ જજના બંગલે રજૂ કરી બંને પક્ષે સામ-સામે દલીલો કરવામાં આવતાં ૧૦ દિવસના માંગવામાં આવેલા રિમાન્ડ ૩ દિવસના મંજૂર કરતો આદેશ કરવામાં આવ્યો હતો.
પાસના કાર્યકર નરેન્દ્ર પટેલ દ્વારા તેના સાથીદારની સોનાની ચેન લૂંટવા અને મોબાઈલ તોડી નાંખવા સહિતના ગુનાની ફરિયાદ સંદર્ભે રાજ્યભરની પોલીસને પાટીદાર નેતાઓ હાર્દિક પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવાની જારી કરાયેલી સૂચના બાદ આ બંનેની સોમવારની રાત્રે ધરપકડ કરી પાટણ પોલીસને સોંપાયા હતા. દરમ્યાન સમી પોલીસ સ્ટેશન ખાતે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી અને સલામતીના ચાંપતા બંદોબસ્ત સાથે ડિસ્ટ્રીકટ એડિશનલ જજ એ.કે. સોલંકી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને સરકાર તરફથી ગુનાના કામે મુદ્દામાલ અને અન્ય આરોપીઓ ક્યાં છુપાયા છે તેમજ આ વ્યક્તિઓ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલા હોઈ તેમની ઘનિષ્ઠ પૂછપરછ જરૂરી હોવાની દલીલ સાથે ૧૦ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. બચાવ પક્ષે એડવોકેટ રફીક લોખંડવાલા, દિલીપ પટેલ, આર.ડી. દેસાઈ, મહેન્દ્ર પટેલ અને એમ.એચ. પટેલની ટીમ દ્વારા આ ફરિયાદ તદ્દન ખોટી હોવાની અને પાટીદાર નેતાઓ સરકાર વિરૂદ્ધ હોવાથી તેમને દબાવવા માટે ઊભી કરવામાં આવી છે. આવી કોઈ જ ઘટના બની નથી. આ યુવાનો કંઈ રપ-૩૦ હજારની લૂંટ માટે પાટણમાં આવ્યા ન હતા સહિતની દલીલો સાથે બચાવ કરવામાં આવતા જજે બંને પક્ષોની દલીલો સાંભળી આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ બંને પાટીદાર યુવાનોને રજૂ કરતા સમયે સમગ્ર જિલ્લાભરની પોલીસને સર્કીટ હાઉસ, કોલેજ રોડ, અને સરકારી ક્વાટર્સ તરફ ઘેરો ઘાલી પોલીસ છાવણીમાં ફેરવવામાં આવતાં જાણે કે કોઈ આતંકવાદીઓને રજૂ કરવામાં આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા બાદ બહાર આવતા હાર્દિક પટેલને પૂછાયેલા પ્રશ્નોનો તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. બચાવ પક્ષના વકીલોએ હવે આગળ કઈ કાર્યવાહી કરવી તે અંગે તેમની સાથે ચર્ચા કરીને આગળ નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મહેશ પટેલની ધરપકડ, બે દિવસના રિમાન્ડ

મહેસાણાના પાસ કન્વીનર પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાની ધરપકડ અને ત્રણ દિવસના રિમાન્ડ બાદ આ કેસમાં સંડોવાયેલ મનાતા વધુ એક મહેશ પટેલની પાટણ એલસીબી પોલીસે ધરપકડ કરી છે જેને આજે સાંજે પાટણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા.૧-૯-ર૦૧૭ સાંજના પ-૦૦ કલાક સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ત્રણે જણાને હાલ સમી પોલીસ મથકે રાખવામાં આવ્યા છે.