(એજન્સી) અમદાવાદ,તા.૩૧
દલિત ચળવળકાર તરીકે જાણીતા વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કે જેઓ હિન્દુત્વના કટ્ટર ટીકાકાર મનાય છે, તેઓ હાર્દિક પટેલના કાર્યક્રમમાં ભાગ લેનારા છે. આ કાર્યક્રમમાં તેઓ હિન્દુત્વના વિચારધારક અને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાની સાથે એક મંચ પર જોવા મળશે. આગામી ૮મી ફેબ્રુઆરીએ જામનગરમાં હાર્દિક પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ બંને નેતાઓ સામેલ થશે.
ખેડૂતોની વિવિધ સમસ્યાઓને વાચા આપવા પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇ ૨૦૧૬માં દલિતો પર થયેલા અત્યાચારનો (ઉના કાંડનો) જીજ્ઞેશ મેવાણીએ રાજયભરમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારબાદ મેવાણી દલિતોના નવા નેતા તરીકે રાજયભરમાં ઉભરી આવ્યા હતા. તેઓ ફાસીવાદી અને મનુવાદી વિચારધારાના કટ્ટર વિરોધી મનાય છે અને તેઓ સમયાંતરે આ વિચારધારાઓનો ઉગ્રતાથી વિરોધ કરતા રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, સ્વામી ચક્રપાની ગત ઓગસ્ટમાં વિવાદમાં ફસાયા હતા જયારે તેમણે કેરળમાં આવેલા પૂર બાદ એવું નિવેદન આપ્યું હતું કે, માંસાહારીઓને કોઇ મદદ મળશે નહીં. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જે પૂરગ્રસ્તો દ્વારા એવી ખાતરી આપવામાં આવે કે તેઓ ભવિષ્યમાં કદી માંસ ખાશે નહીં, તેમને જ સહાય આપવામાં આવશે.
આ બેઠક અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમમાં ભાગ લેવા મેં જીજ્ઞેશને આમંત્રણ આપ્યું છે કારણ કે તે યુવાનોને અસર કરતાં બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓ પર વાત કરીને સરકારના પોકળ દાવાઓનો પર્દાફાશ કરે છે અને સ્વામી ચક્રપાનીને એટલા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ ખેડૂતોના સંકટ અને રામ મંદિરના મુદ્દા પર સરકારની નિષ્ફળતાને સમયાંતરે ઉજાગર કરતા રહે છે.
પટેલે ઉમેર્યું કે, ભૂતકાળના તેના કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેવા માટે તેણે ભાજપના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું, કારણ કે તે પાર્ટીવાદમાં માનતા નથી. પરંતુ નેતાઓ સાથેના વ્યકિતગત સંબંધોમાં માનનારા છે. આ કાર્યક્રમ અંગે જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા જાણવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં તેમના તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.