(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૨૨
સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદમાં નગર પાલિકાનાં ભાજપી શાસકો દ્વારા આચરાયેલા માટી કૌભાંડના વિરોધમાં વિપક્ષ દ્વારા ચાલી રહેલા પ્રતીક ઉપવાસ આંદોલનના આજે અંતિમ દિવસે પાસના નેતા હાર્દિક પટેલે ઉપવાસીઓની મુલાકાત લઈ પારણા કરાવ્યા હતા. અને સરદારના વતનની માટી વેચવાની પ્રવૃત્તિ સામે ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા,
મળતી વિગતો અનુસાર કરમસદ ખાતે હાર્દિક પટેલ આવી પહોંચતા તેમણે ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. અહીંયા છેલ્લા એક સપ્તાહથી નગર પાલિકાના ભાજપના શાસકો દ્વારા કરવામાં આવી રહેલા માટી કૌભાંડના વિરોધમાં ચાલી રહેલા પ્રતીક ઉપવાસ આંદોલનના સ્થળે ઉપવાસીઓને મળી તેઓને પારણા કરાવ્યા હતા કરમસદ ખાતે હાર્દિક પટેલે દિવંગત વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પ હાર પહેરાવી શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા.
હાર્દિક પટેલે સરદાર પટેલના ગામની માટી વેચી કૌભાંડ આચારનારા ઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે નગરપાલિકાનાં ભાજપી શાસકો દ્વારા તળાવ અને ગૌચરમાંથી માટી પોતાનાં મળતીયાઓ અને ઉદ્યોગપતીઓને વેચી મારી ભ્રષ્ટાચાર આચર્યો છે,અને સુજલામ સુફલામ હેઠળ આ તળાવોને ઉંડા કરવાનાં બહાને માટી ખોદવાની પરવાનગીઓ આપી દેવામાં આવી છે,જયારે સરદાર પટેલનાં વતનની માટી પણ વેચી મારવામાં આવતી હોય તે ખુબજ દુઃખની વાત હોવાનું જણાવ્યું હતું.
જીતુ વાઘાણીએ હાર્દિકને કૉંગ્રેસનો પીઠઠું ગણાવતા આપેલા નિવેદન અંગે હાર્દિકએ કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી તેઓ આવી વાતો કરી રહ્યા છે પરંતુ હું તો કોંગ્રેસનો સભ્ય પણ નથી, અને આગામી ૨૬મી મેનાં રોજ પાટીદાર સમાજની જે સામાજીક ન્યાય મહા પંચાયત યોજવામાં આવી છે તેમાં બ્રાહ્મણ,પાટીદાર સહીત જેઓને અનામતનો લાભ નથી મળ્યો કોઈ લાભો નથી મળ્યા તેઓને એકત્ર કરવામાં આવ્યા છે,અને તેમાં ભાજપ અને કોંગ્રેસનાં પાટીદાર સમાજનાં ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે,તેઓ હાજર રહે અને જે આપદાઓ પડી રહી છે,તે અંગે જાણે તો સારી વાત છે,નહી તો જો પાટીદાર સમાજના ધારાસભ્યો કે નેતાઓ હાજર નહીં રહે તો અગાઉ જેમ ૨૫મી ઓગષ્ટ પછી ધારાસભ્યો અને નેતાઓનાં ઝભ્ભા ફાટયા હતા તેની જેમ હવે પછી પર તેઓના ઝભ્ભા ફાટશે તે નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ હાર્દિક પટેલ જયારે કરમસદ આવ્યા ત્યારે ભાજપ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો જેને લઈને આ વખતે પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.