અમદાવાદ, તા.૧
પાટીદાર નેતા હાર્દિક પટેલ આવતીકાલ ર ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી મોરબીના બગથળા ગામે પ્રતિક ઉપવાસ શરૂ કરશે. ખેડૂતોની દેવા માફી, અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ, પાટીદારોને અનામત આપવી આ ત્રણ માંગો ઉપરાંત મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ચોથી માંગ ઉમેરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રપ ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિકે પાટીદાર સમાજના મોભીઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ૧૯ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ તેનું વજન ઘણું ઓછું થઈ ગયું હતું અને શરીરમાં કમજોરી પણ આવી હતી આથી તેણે બેંગ્લોરમાં નેચરો કેરમાં જઈ સારવાર કરાવી હતી. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી તન અને મન મજબૂત કર્યા બાદ સમાજના સંઘર્ષ માટે પુનઃ તૈયાર થઈ ગયો છે અને આવતીકાલથી પ્રતિક ઉપવાસ પર બેસશે.
હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફ કરોે, અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરી, પાટીદારોને અનામત આપો અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો જેવી ચાર માગણી સાથે ગાંધી જયંતીના દિવસથી મોરબીના બગથળા ગામથી પ્રતિક ઉપવાસ ચાલુ કરશે. ત્યારબાદ ગુજરાતના વિવિધ શહેરોમાં તે પ્રતિક ઉપવાસ પર બેસશે. હાર્દિક સાથે પાસના કન્વીનરો તેમજ મોટી સંખ્યામાં તેના સમર્થકો અને પાસના દાવા મુજબ ખેડૂતો પણ પ્રતિક ઉપવાસમાં જોડાશે.