જામનગર, તા.ર૦
હાર્દિક પટેલ આજે સતત બીજા દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે છે. રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી અંગે વિચાર-વિમર્શ કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સરકારી વકીલ કોર્ટમાં તારીખો અને ખોટા પૂરાવા રજૂ કરી સરકાર, પ્રશાસન સહિત બધા ભેગા મળીને હાર્દિક ચૂંટણી ન લડી શકે તેના પ્રયાસો કરી રહ્યા છે. મે મારી ઇચ્છા વ્યક્ત કરી હતી જામનગર માટે અને પાર્ટીએ તેના પર સહમતિ પણ આપી છે. જામનગર મારી ઇચ્છા હતી કારણ કે આ વિસ્તારને હું સમજુ છું તેને લઇને જામનગરને મેં મારી પ્રાયોરિટી આપી છે. છતાં પાર્ટી નવું કંઇ આપશે તે પ્રમાણે કરીશ. રાજકોટમાં મારૂં પૂતળાદહન ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ધ્રોલમાં બેનરો રાઘવજી પટેલના પુત્રના ઇશારે લગાવવામાં આવ્યા હતા.દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લામાં સૌથી મોટી કંપનીઓ આવેલી છે તેમ છતાં અહીંના યુવાનો બેરોજગાર કેમ છે, ખેડૂતો ગરીબ કેમ છે. તેમજ ખારા પાણીને મીઠા કરવાનો પ્લાન્ટ બનનાર હોય તેમ છતાં દ્વારકામાં પાણીની સમસ્યા યથાવત્‌ છે. વિવિધ પ્રશ્નો જામનગર જિલ્લામાં છે. ૨૫ વર્ષનો યુવાન છું, તમે બધા વાતો કરતા હો છો કે યુવાનોએ રાજકારણમાં આવવું જોઇએ તેથી રાજનીતિમાં આવ્યો છું.જામનગર જિલ્લામાં મારા ચાર મુદ્દા છે જેમાં પહેલો મુદ્દો સારૂ શિક્ષણ અને સસ્તુ શિક્ષણ, બીજો મુદ્દો છે શિક્ષણ પૂરૂ થાય તેવા યુવાનોને રોજગારી, ત્રીજો મુદ્દો ખેડૂતોની આત્મહત્યા રોકવી અને ચોથો મુદ્દો જીતીને આવો તો વધુને વધુ સમય પોતાના વિસ્તારને આપવો. ચૂંટણીપંચે ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઇએ. ભાજપમાં પાંચ પાંચ વર્ષની સજાવાળા નેતા છે. બાબુભાઇ બોખરિયા પર ત્રણ વર્ષની સજા છે છતાંય તે લોકો ચૂંટણી લડી શકે પરંતુ લોકો માટે કામ કરવાવાળા નિર્દોષ લોકો જે ચૂંટણી લડવા માગતા હોય તેને કાનૂની રીતે ગુચવણમાં રાખી ખોટી રીતે ફસાવવામાં આવે છે. હાર્દિક સાચુ બોલે છે એટલે તેઓને ન ગમતું હોય અને પ્રધાનમંત્રી જુઠ્ઠુ બોલે છે છતાં તે ગમે છે. વિરોધ કરવાનો બધાનો અધિકાર છે જો હું વિરોધ કરતા રોકીશ તો મારામાં અને મોદીમાં ફેર શું ? મારે બધા માટે કામ કરવું છે.
યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલનું આજે જામનગરમાં આગમન થતા જામનગર શહેર/જિલ્લા કોંગ્રેસ દ્વારા લીમડાલેનમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેશિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા, પીઢ કોંગી અગ્રણી ભીખુભાઈ વારોતરિયા, ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ, મૂળુભાઈ કંડોરિયા, હસમુખભાઈ વિરમગામી, પી.સી.ખેતિયા, મનપાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી ઉપસ્થિત રહ્યા હતા.