અમદાવાદ, તા. ૧૭
નાગરિક સુધારા કાનૂનને લઇને દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે તંગદિલીપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં લઇને સુરક્ષા જવાનો તૈનાત છે. બીજી બાજુ આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચા જગાવી દીધી છે. હાર્દિક પટેલે સુપ્રસિદ્ધ શાયર રાહત ઇન્દોરીના એક શેરને ટિ્‌વટ કરીને પોતાની વાત કરી છે. હાર્દિક પટેલે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં, કિસીકે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ. આની સાથે સાથે હાર્દિકે એમ પણ લખ્યું છે કે, તેને લાગે છે કે, પોતાની વાતને સમજવામાં હજુ થોડોક સમય લાગી શકે છે. હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો વિપક્ષમાં હતા ત્યારે સત્તા હાંસલ કરવા માટે તોફાનો કરાવતા હતા. આજે જ્યારે સત્તામાં છે ત્યારે લોકોને ગેરમાર્ગે દોરવા માટે તોફાનો કરાવવામાં આવે છે. ભાજપનો મતલબ ભારતીય જનતા પાર્ટી નહીં બલ્કે ભારત જલાવો પાર્ટી છે. હાર્દિક પટેલ વારંવાર વિવાદોના ઘેરામાં રહે છે. વિતેલા વર્ષોમાં પણ અનેક વખત વિવાદોમાં રહ્યો છે. આડેધડ નિવેદનબાજી અને વારંવાર આંદોલનના કારણે પણ તેની પ્રતિષ્ઠાને ફટકો પડી ચુક્યો છે. વિતેલા વર્ષોમાં ખેડૂત આંદોલન અને અનામત આંદોલનને લઇને ચમકયા બાદ તે કોંગ્રેસમાં સામેલ થયો હતો પરંતુ કોંગ્રેસ પાર્ટીને કોઇ મોટી લીડ અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો આથી લોકપ્રિયતામાં રહેવા માટે આડેધડ નિવેદનબાજી કરી રહ્યો હોવાનો લોકો આક્રોપ કરી રહ્યા છે.