અમદાવાદ, તા.૨૯
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજયમાં હિંસા, તોડફોડ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા પાસના કન્વીનર હાર્દિક પટેલના વલણને અત્રેની સેશન્સ કોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને આરોપી હાર્દિક પટેલના આવા બેજવાબદાર વલણની ગંભીર નોંધ લીધી હતી. બીજીબાજુ રાજદ્રોહ કેસમાં એક યા બીજા કારણોસર અદાલત સમક્ષ ગેરહાજર રહેતા હાર્દિક પટેલ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા રાજય સરકાર તરફથી એક મહત્વની અરજી સેશન્સ કોર્ટમાં કરાઇ હતી, જેની સુનાવણી બાદ કોર્ટે આગામી મુદતે હાર્દિક પટેલને કેસની આગામી મુદતે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા કડક તાકીદ કરી હતી. કોર્ટે ગંભીર ટીકા કરી હતી કે, કેસની સુનાવણી દરમ્યાન વારંવારની ગેરહાજરી ચલાવી લેવાશે નહી. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૬ઠ્ઠી જૂલાઇએ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું પરંતુ તેની બજવણી બાદ પણ હાર્દિક પટેલ કેસની સુનાવણી દરમ્યાન સામાજિક કામોનું બહાનુ ધરી હાજર નહી રહેતાં રાજય સરકાર તરફથી આ નવી અરજી કરી તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માંગણી કરવામાં આવી હતી.