પાટણ, તા.૨૩
પાટણમાં ભાજપ આયોજિત પાસ કન્વીનર હાર્દિક પટેલના પૂતળા દહન કાર્યક્રમ સમયે પાટીદાર યુવાનોએ પૂતળું ઝૂંટવી લેતા ભાજપના કાર્યકરો અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાતા ઉત્તેજના છવાઈ હતી. ભાજપના આ કાર્યક્રમને લઈ રોષે ભરાયેલા પાટીદાર યુવાનોએ પાટણ હાઈવે પર ગોલ્ડન ચોકડી ઉપર ટાયરો સળગાવી વાહન વ્યવહાર અટકાવતા પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. પાસ કન્વીનર હાર્દિક પટેલે અનામત અંગેની કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારી લઈ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. જેને લઈ ભાજપ અને પાટીદારો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન આજે પાટણના બગવાડા ચોક ખાતે ભાજપ દ્વારા પાસ કન્વીનર હાર્દિક પટેલના પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ બગવાડા ચોકના બદલે સુભાષ ચોક ખાતે કાર્યક્રમ ખસેડ્યો હતો. આ સમયે ભાજપના કાર્યકરો હાર્દિકના પૂતળાને લઈને આવ્યા હતા અને તેને આગ ચાંપવાની તૈયારી કરી રહ્યા હતા તે વખતે પાટીદાર યુવાનો જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે ધસી આવ્યા હતા અને એક યુવાને હિંમતભેર ભાજપના કાર્યકરોના હાથમાંથી હાર્દિક પટેલના પૂતળાને ઝૂંટવી લઈ નાસી જતા ભાજપના કાર્યકરો સ્તબ્ધ બની ગયા હતા. જેને લઈ પાટીદાર યુવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે તું…તું…મેં…મેં… સાથે સંઘર્ષ સર્જાતા ઉત્તેજના છવાઈ હતી. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ અન્ય એક પૂતળું લાવી તેનું દહન કર્યું હતું. તે સમયે પોલીસની સાથે પાટીદાર યુવાનોએ જય સરદારના નારા સાથે આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. જય સરદારના સૂત્રોચ્ચારથી ગિન્નાયેલી પોલીસે એક પાટીદાર યુવાનની અટકાયત કરી હતી. ભાજપના આ કાર્યક્રમો પ્રતિજવાબ આપતા હોય તેમ પાટીદાર યુવાનોએ પાટણ હાઈવે ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. જેને કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો અને વાહનોની લાઈન લાગી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને સળગતા ટાયરો ઓલવી વાહન વ્યવહાર પૂર્વવ્રત કર્યો હતો.
હાર્દિક પટેલના પૂતળા દહન વેળા ભાજપ કાર્યકરો પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણથી ઉત્તેજના

Recent Comments