(એજન્સી) અમદાવાદ, તા.પ
રાષ્ટ્રીય મહિલા આયોગે (એનસીડબ્લ્યુ) જણાવ્યું છે કે, તેના અધ્યક્ષા રેખા શર્મા પાટીદાર નેતા હાર્દિક પટેલને સંડોવતા વીડિયોમાં તેની સાથે જોવા મળેલી મહિલાને મળશે. એનસીડબ્લ્યુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એનસીડબ્લ્યુની ટીમ તેના અધ્યક્ષા રેખા શર્માના વડપણ હેઠળ આજે રાત્રે સુરત જવા રવાના થશે અને એનસીડબ્લ્યુને મળેલી ફરિયાદ મુજબ હાર્દિક પટેલ દ્વારા જે છોકરીનું યૌનશોષણ કરવામાં આવ્યું હતું કે છોકરીને તેઓ રૂબરૂ મળશે.
મહિલા રાષ્ટ્રીય આયોગે એવું પણ જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી પીડિતા નથી પરંતુ તે રાષ્ટ્રીય મહિલા આયોગના અધિકારીઓને મળવા માંગે છે. રાષ્ટ્રીય મહિલા આયોગે અગાઉ પણ જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ હાર્દિક પટેલના સેક્સ વીડિયો અંગે દિલ્હીના વકીલની ફરિયાદ પર તપાસ કરી રહેલ છે.
આ ફરિયાદમાં આયોગ સાથે ખાનગીમાં વાત કરવા માંગતી છોકરી અંગેની અંગત માહિતી છે. કારણ કે તે જાહેરમાં આવતા ગભરાય છે. એક વખત મહિલા આયોગની ટીમ છોકરી સાથે વાત કર્યા બાદ તેમજ આ મામલામાં તપાસ કર્યા બાદ મીડિયા સાથે વાત કરશે.
હરિયાણામાં ભાજપના પૂર્વ મીડિયા પ્રભારી રેખા શર્મા પર પ્રથમ વખત ભાજપ પ્રત્યે તીવ્ર પૂર્વાગ્રહ ધરાવતા હોવાનો આક્ષેપ થયો નથી. થોડા સમય પહેલાં રેખા શર્માએ મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર સામે ટ્‌વીટર પર કરેલ વ્યંગ બદલ કોંગ્રેસના સાંસદ શશી થરૂરને પણ બોલાવ્યા હતા. જો કે રેખા શર્માના વડપણ હેઠળ રાષ્ટ્રીય મહિલા આયોગે હરિયાણામાં તેમના પક્ષ સાથી દ્વારા દીપિકા પાદુકોણે આપવામાં આવેલી જાનથી મારી નાંખવાની ધમકીના કેસમાં આવી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. દીપિકા સામે તેનું માથું વાઢી નાંખવા બદલ ઈનામ રૂા.દસ કરોડનું જાહેર કરવામાં આવ્યું હતું.