(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧પ
અમદાવાદની સોમનાથ સુધી હાર્દિક પટેલ દ્વારા કાઢવામાં આવેલી સંકલ્પ યાત્રા તેના નિર્ધારિત રૂટ પર આગળ વધી રહી છે. સંકલ્પ યાત્રાના બીજા દિવસે મોરબીના નેઠગામથી સંકલ્પ યાત્રાની શરૂ થઈ હતી. સંકલ્પ યાત્રાના માર્ગમાં આવતા દરેક ગામે ગામમાં યાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. હાર્દિકની સંકલ્પ યાત્રા સફળ થઈ રહી છે. જેને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. જેને જોતા ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું છે. હાર્દિક પટેલે યાત્રા અંગે જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રા થકી ક્રાંતિનો ઉદય થશે. ક્રાંતિ એટલે મહાપરિવર્તન થશે. ગુજરાતમાં આ વખતે એવું પરિવર્તન આવશે કે દેશના રાજકારણની દિશા બદલાઈ જશે. પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદથી ૧૮ર ગાડીઓ સાથે સોમનાથ મંદિર જવા માટેની સંકલ્પ યાત્રાનો ગુરૂવારે પ્રારંભ કર્યો હતો. પ્રથમ દિવસે મોરબી પહોંચેલી યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયા બાદ મોરબી ખાતે સભા યોજાઈ હતી. ત્યારબાદ બીજા દિવસે હાર્દિકની યાત્રામાં વધુ ગાડીઓ અને બાઈકો જોડાઈ હતી. શુક્રવારે સંકલ્પ યાત્રા ગોંડલ ધામ મંદિરે દર્શન કરવા રવાના થઈ હતી. તે દરમિયાન રસ્તામાં ગોંડલ બાયપાસ અને વીરપુરમાં તેનું તમામ સમાજના આગેવાનો દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલે સરદાર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાનું ફૂલહાર પહેરાવીને યાત્રાને આગળ ધપાવી હતી. દરમિયાન પાસના સહકન્વીનર અને સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયાએ ભાજપ વિરૂદ્ધ આક્રોશજનક નારા લગાવ્યા હતા. જૂનાગઢથી વંથલી સુધીમાં પસાર થઈ રહેલી સંકલ્પ યાત્રાને આવકાર અપાયો હતો. તેમજ હાર્દિકે ચોક પે ચર્ચા કર્યા બાદ આ યાત્રા રાજ્યમાં મહાપરિવર્તન લાવશે તેવું નિવેદન આપ્યું હતું. સંકલ્પ યાત્રામાં બાઈકો પણ જોડાતા હાર્દિકે પણ આ યાત્રા દરમિયાન બાઈક ચલાવી યુવાનોની લડતમાં તેમની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. હાર્દિકની સંકલ્પ યાત્રાને ઠેર-ઠેર જોરદાર સ્વાગત કરવા માટે પાટીદારોનું મહેરામણ ઊમટી પડ્યું હતું. આ યાત્રા અંગે હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સોમનાથમાં હું સરકારના અત્યાચારની ફરિયાદ કરવા જઈ રહ્યો છું. ગુજરાતમાં એક નવી ક્રાંતિનો ઉદય થઈ રહ્યો છે. આ ક્રાંતિનો મતલબ હિંસા નથી પણ એક મહાપરિવર્તન છે. ગુજરાતમાં આ વખતે એક એવું પરિવર્તન આવશે જે સમગ્ર દેશના રાજકારણની દિશા બદલી દેશે. મને વિશ્વાસ છે કે, અમે બધા મળીને આ ક્રાંતિને સફળ બનાવવા લડીશું. હવે આ લડાઈ માત્ર પાટીદારોની રહી નથી રાજ્યના અન્ય સમાજ પણ લડાઈમાં જોડાઈ ચૂક્યા છે. યુવાનો, ખેડૂતો સાથે રાજ્યમાં સૌથી વધુ અન્યાય થયો છે. આ અન્યાયનો બદલો લેવાનો સમય આવી ચૂક્યો છે. સોમનાથ મંદિરે જઈને ગુજરાતમાંથી ભાજપની સરકાર ઉખાડી ફેંકવાનો સંકલ્પ લઈશું. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. સંકલ્પ યાત્રા તેના નિર્ધારિત રૂટ પ્રમાણે ચાલશે તો શનિવારે સોમનાથ પહોંચશે.

 

હાર્દિકના કાફલાને અકસ્માત નડ્યો : ૬ લોકોને ઈજા
હાર્દિક પટેલની સંકલ્પ યાત્રા દરમ્યાન તેના કાફલાને હળવદ નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ૬ જેટલા લોકોને ઈજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રોડ શો દરમ્યાન એક ગાડીમાંથી એક વ્યક્તિ અચાનક નીચે પડી ગયો હતો. જેના કારણે ગાડીએ બ્રેક મારતા એક પછી એક પાંચ જેટલી ગાડીઓ અથડાઈ હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો.