(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ જિલ્લામાં હાર્દિક પટેલના આગમથી ભાજપની ચિંતા વધી ગઈ છે, જૂનાગઢ, કેશોદ, વેરાવળમાં તેને જબ્બર પ્રતિસાદ સાંપડ્યો હતો. કેશોદમાં મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે અજાબના કલીમલીહારી આશ્રમે હાર્દિક પટેલની રકતતુલા કરવામાં આવી હતી. બાદમાં અજાબ ગામમાં જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં અજાબ ગામ તથા આજુબાજુના ગામોના પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અજાબ સભા પૂરી થયા બાદ કેશોદમાં સૌથી મોટો રોડ શો પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાહનો સાથે પાટીદારો જોડાયા હતા. રોડ શો પૂરો થયા બાદ શરદ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચાર ચોકમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર હારતોરા કરી કેશોદની સભા સ્થળે જવા રવાના થયા હતા. કેશોદમાં જાહેરસભાનું હાર્દિક પટેલે સંબોધન કર્યું હતું. જેમાં દિનેશ બાંભણિયા, લલિત વસોયા, રેશમા પટેલ, મનોજ પનારા, દિલીપ સાદવા, અશોક કથિરીયા, ગીતા પટેલ, ધર્મિષ્ઠાબેન કમાણી, ડાયાભાઈ દેસાઈ તેમજ ગુજરાત ભરના પાસ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની નીકળેલી સંકલ્પ યાત્રાનું કેશોદ રાત્રી રોકાણ બાદ બીજા દિવસે સવારે સોમનાથ જવા રવાના થયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ પાસ કન્વીનર ભરત લાડાણી તથા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં પાટીદાર આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર પસંદ કરજો તેવી ટકોર સાથે ભાજપ વિરોધ અને પાટીદાર અનામત આંદોલન વિરોધી નેતાઓની ઉપર કટાક્ષ સાથે પ્રહારો કર્યા હતા.