રતનપુર બોર્ડર ઉપર હાર્દિકના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદારો જોડાશે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ ૬ મહિના રાજસ્થાનમાં રહીને મંગળવારે ગુજરાત પરત ફરી રહ્યા છે. પાટીદારો રાજસ્થાન બોર્ડર ઉપર હાર્દિકનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં એકઠા થશે. હાર્દિકના આવ્યા બાદ એક જંગી જાહેરસભાને સંબોધીને અનામત આંદોલનની નવી રણનીતિની જાહેરાત કરશે પરંતુ આ રેલી અંગે હજુ સુધી પોલીસ પરમિશન મળી ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને રાજદ્રોહના ગુનાના કેસમાં જામીન માંગતા કોર્ટે છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે તેના જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદયપુર ખાતે છ મહિના સુધી રહ્યો. હવે કોર્ટના આદેશ મુજબનો સમયગાળો પૂર્ણ થતાં તા.૧૭ જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગુજરાત પરત ફરશે. ત્યારે હાર્દિકનું સ્વાગત કરવા રતનપુર બોર્ડરે મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહેશે. ત્યાંથી પાંચ હજાર ગાડીના કાફલા સાથે રોડ શો કરી હિંમતનગર પહોંચશે. જ્યાં બપોરે ર વાગે હિંમતનગર ઉદયપુર હાઈવે મોડાસિયા કડવા પાટીદાર સમાજવાડીમાં એક લાખ પાટીદારોની સભાને સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળવા તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જશે. ત્યારબાદ પૂણામાં છાત્ર સંસદમાં ભાગ લેવા અમદાવાદ એરપોર્ટથી રાત્રે ૮ વાગ્યે રવાના થશે. જેમાં હમીદ અન્સારી સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે. એમ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાબરકાંઠા દ્વારા જણાવાયું હતું. જો કે હાર્દિકના સ્વાગતથી લઈને તમામ કાર્યક્રમ દરમિયાન પોલીસનો મોટો કાફલો ખડકી દેવાશે. અત્રે નોંધનીય છે કે હાર્દિક પટેલની ગુજરાત વાપસીને લઈને પાટીદાર આંદોલનમાં નવા પ્રાણ ફૂંકાય તો તેની અસર આગામી ચૂંટણીમાં ના પડે તે માટે ભાજપ સરકારે રણનીતિ ઘડી કાઢી હોવાનું જાણવા મળ્યું છે.