અમદાવાદ,તા. ૨૩
પાસના નેતા હાર્દિક પટેલ વિરૂધ્ધ પાટણના બી ડિવીઝન પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા એડવોકેટ બી.એમ.મંગુકીયા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી કવોશીંગ પિટિશન આજે આખરે પાછી ખેંચી લેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, ન્યાયમૂર્તિઓ અને ગુજરાત બાર કાઉન્સીલ સહિતના સત્તાવાળાઓને પત્ર પાઠવી એડવોકેટ મંગુકીયાએ તેમના પુત્ર હાર્દિકની સમંતિ કે સહી વિના જ આ કવોશીંગ પિટિશન ફાઇલ કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. હાર્દિકના પિતાના આ પત્રના વિવાદ બાદ આજે હાર્દિક પટેલની કવોશીંગ પિટિશનની સુનાવણી દરમ્યાન એડવોકેટ બી.એમ.મંગુકીયાએ કોર્ટ સમક્ષ હાજર થઇ તેઓ આ પિટિશન પાછી ખેંચવા માંગે છે તેની પરવાનગી માંગી હતી. ત્યારબાદ હાઇકોર્ટની પરવાનગી બાદ મંગુકીયાએ હાર્દિક પટેલની કવોશીંગ પિટિશન પાછી ખેંચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિકના પિતા ભરતભાઇ પટેલે ચીફ જસ્ટિસ સહિતના સત્તાવાળાઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર હાર્દિક પટેલ પટેલ અનામત આંદોલન સમિતિનો કન્વીનર છે અને બંધારણની મર્યાદામાં રહી ગુજરાતમાં તે પટેલોને અનામત મળે તે માટે આંદોલન ચલાવી રહ્યો છે. પાટણના બી ડિવીઝન પોલીસમથકમાં હાર્દિક પટેલ તથા અન્યો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રકરણમાં મારા પુત્ર હાર્દિક પટેલની ધરપકડ થઇ છે. જે ફરિયાદ રદબાતલ ઠરાવવા હાર્દિક પટેલપક્ષ તરફથી એડવોકેટ બી.એમ.મંગુકીયાએ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ મીસેલિનીયસ એપ્લિકેશન નં.૨૧૫૦૪/૨૦૧૭ ફાઇલ કરી છે. પરંતુ વકીલ મંગુકીયાએ મારા પુત્રની મંજૂરી, જાણકારી, સત્તા, સૂચન કે સહમતિ-અધિકાર વિના બારોબાર જ આ અરજી ફાઇલ કરી છે. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૫માં એડવોકેટ બી.એમ.મંગુકીયાએ મારા પુત્ર હાર્દિક પટેલને ગેરમાર્ગે દોરી અગાઉથી સહીઓ કરાવી લઇ વકીલાતનામાનો દૂરપયોગ કરતાં તે બાબતે મારા પુત્ર હાર્દિક પટેલે સુરત જેલમાંથી તેમણે અગાઉથી સહીઓ કરાવી મેળવેલા વકીલાતનામાનો દૂરપયોગ ના થાય તે માટે પત્ર લખી ચેતવણી આપી હતી. અત્યારે પણ મારા પુત્ર હાર્દિક પટેલે એડવોકેટ મંગુકીયાને પાટણની પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવવા માટેની કવોશીંગ પિટિશન ફાઇલ કરવા બાબતે કોઇપણ પ્રકારની સત્તા, અધિકાર, મૌખિક સૂચના કે, સહમતિ સુધ્ધાં આપેલ નથી અને તેમછતાં વકીલ મંગુકીયાએ મારા પુત્ર વતી હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન પોતાના અંગત રાજકીય લાભ સારૂ ફાઇલ કરી દીધી છે, તો તે બદલ એડવોકેટ બી.એમ. મંગુકીયા વિરૂધ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા હુકમનો પત્રમાં હાર્દિકના પિતા દ્વારા સત્તાવાળાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.