(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
સુપ્રીમકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસમાં દોષિતોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. દોષિતો તરફથી ૨૦૧૯ની પાંચમી જુલાઇએ દાખલ કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાને અમદાવાદમાં ૨૦૦૩ની ૨૬મી માર્ચે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. તપાસમાં દોષિત જણાયેલા ૧૨ આરોપીઓમાંથી ૧૦ આરોપીઓ દ્વારા સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી. પોતાનો ચુકાદો સંભળાવતા સુપ્રીમકોર્ટે જણાવ્યું કે બધી સમીક્ષા અરજીઓની સમીક્ષા કરવામાં આવ્યા બાદ એવું નક્કી થયું છે કે ચુકાદામાં કોઇ ભૂલ નથી, તેથી આ સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે. સીબીઆઇ તપાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ ૨૦૦૨માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. એ જ વર્ષે સુપ્રીમકોર્ટે ૧૨ લોકોને આ કેસમાં દોષિત ઠરાવ્યા હતા. આ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલાઓમાં મોહમ્મદ રઉફ, મોહમ્મદ પરવેઝ અબ્દુલ કૈયુમ શેખ, પરવેઝખાન પઠાણ ઉર્ફે અતહર પરવેઝ, મોહમ્મદ ફારૂક ઉર્ફે હાજી ફારૂક, શાહનવાઝ ગાંધી, કલીમ અહમદ ઉર્ફે કલીમુલ્લાહ, રેહાન પુઠાવાલા, મોહમ્મદ રિયાઝ સરેસવાલા, અનીસ માચિસવાલા, મોહમ્મદ યુનુસ સરેસવાલા અને મોહમ્મદ સૈફુદ્દીનનો સમાવેશ થાય છે.