હરિદ્વાર, તા. ૭
દેવભૂમિના નામથી વિખ્યાત હરિદ્વારના ઋષિકેશમાં છેલ્લા ૪૮ કલાકથી એક સમુદાય વિરૂદ્ધ હિંસા વકરાઇ રહી છે. અહીં થયેલા કોમી રમખાણોમાં મુસ્લિમોની ડઝનો દુકાનોમાં આગ ચાંપી દેવાઇ હતી. ઘણી ઝૂંપડીઓ અને વાહનોને આગને હવાલે કરી દેવાઇ હતી. અહીં મોટાભાગના વાળંદોની દુકાનો મુસ્લિમોની છે જેમાં મોટાપાયે તોડફોડ કરવામાં આવી હતી. ઘટના સ્થળે હાજર નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, બંધ દુકાનોની શટરો ખોલી તેમાં ખુલ્લમ ખુલ્લા લૂંટ ચલાવવામાં આવી હતી. મુસ્લિમો વિરૂદ્ધ ટોળા બનાવી હિંસા આચરવામાં આવી રહી છે. હિંદુ જાગરણ મંચ અને અન્ય સંગઠનો દ્વારા સંગઠિત થઇ મુસ્લિમો પર હુમલા કરવામાં આવી રહ્યા છે જેમાં સ્થાનિક ભાજપના ધારાસભ્યનું સમર્થન હોવાનુ જાણવા મળી રહ્યું છે.
હાલ ગ્રામ્ય એસપી મોટી પોલીસ કૂમક સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. ડીઆઇજી પુષ્પક જ્યોતિએ જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને દિવસ દરમિયાન કોઇ ઘટના બની નથી. સ્થાનિક તંત્રે જણાવ્યું હતું કે, એક વ્યક્તિની હત્યા બાદ ઋષિકેશના રાયવાલા ગામમાં હિંસા પ્રસરી હતી. રેલવે ટ્રેક પર લક્ષ્મણસિંહ નામની વ્યક્તિની કપાયેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ હિંસા વકરી હતી. આ યુવક રાયવાલામાં ઇમરાનના મરઘા ફાર્મમાં નોકરી કરતો હતો. તેના લગ્ન થઇ ગયા હતા પરતંુ તે ઇમરાનની પુત્રી સાથે બળજબરીથી લગ્ન કરવા માગતો હતો જેના પગલે ઇમરાને તેને નોકરી પરથી કાઢી મુક્યો હતો. પાંચમી ઓક્ટોબરે ઇમરાનની પુત્રીની સગાઇ હતી. ત્રીજીએ લક્ષ્મણ ઇમરાનના ઘરે ગયો હતો અને ત્યારબાર ત્રણ દિવસ બાદ તેની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. બહુમતી હિંદુવાદી સંગઠન હિંદુ જાગરણ મંચ ત્યારબાદ સક્રીય થઇ ગયું હતું. તેઓએ આરોપ મુક્યો કે, લક્ષ્મણની હત્યા કરી દેવાઇ છે. જોકે, બીજા પક્ષે જણાવાયું હતું કે, લક્ષ્મણે આત્મહત્યા કરી છે. પોલીસે ઇમરાન તથા અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી હતી પરંતુ આ હુમલા દરમિયાન ત્રણ મુસ્લિમો ગુમ થઇ ગયા હતા.