અમદાવાદ, તા.૧૧
પાટીદારોને અનામત ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસના ૧૮મા દિવસે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે હાર્દિકની મુલાકાત લઈને તેને પારણા કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાર્દિકનું જીવન લોકતંત્ર માટે ખૂબ જરૂરી છે. હાર્દિક જેવા લોકોની સમાજ અને રાજ્યને જરૂર છે. મોદી અને તેમની સાથે જોડાયેલા લોકો અહંકારથી ભરાયેલા છે. તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં.
ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરિશ રાવતે આજે ૧૮ દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હરિશ રાવતે હાર્દિક પટેલને ઉપવાસ છોડી દેવા માટે વિનંતી કરી હતી. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે વાતચીત કરતા હરિશ રાવતે કહ્યું કે, “હાર્દિકની ભાવનાથી પ્રેરિત થઈને હું અહીં આવ્યો છું. હાર્દિક મારો નાનો ભાઈ છે. ગુજરાતમાં તેની વાતને દબાવવામાં આવી રહી છે, તેની વાત લોકો સુધી પહોંચાડવા દેવામાં આવતી નથી. ગુજરાત હોય કે કેન્દ્ર, લોકતંત્ર માટે લડતા લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રની હત્યા છે. ભાજપ બોલવાની આઝાદી સમાપ્ત કરવા માંગે છે.” “હાર્દિક પટેલ ગુજરાતમાં સંઘર્ષની ભાવનાનો પ્રતિક છે. આવા લોકોની સમાજ અને રાજ્યને જરૂર છે. હું તેમને વિનંતી કરીશ કે તમારું જીવન તમામ લોકો માટે જરૂરી છે. હાર્દિકે ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ. હું હાર્દિકને આગ્રહ કરીશ કે પાણી સાથે મધનો પણ ઉપયોગ કરે જેનાથી લીવર અને કિડની પર ખરાબ અસર ન થાય. હું ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ, સમાજિક અને ધાર્મિક સંસ્થાઓને વિનંતી કરીશ કે હાર્દિકને અનશન સમાપ્ત કરવા માટે સમજાવે.” “હાર્દિક પટેલને દબાવવો એ લોકતંત્ર માટે ઘાતક છે. સુપ્રીમે પણ કહે છે કે પ્રેશર કૂકરને વધારે દબાવશો તો બ્લાસ્ટ થશે. દેશમાં ખેડૂતો અને ખેતીની હાલત દયનીય હોવાથી વિવિધ વિસ્તારોમાં આંદોલન થઈ રહ્યા છે. ખેડૂતોના દેવા માફીની હાર્દિકની માંગણી ઘણી જ તર્કસંગત છે. અમારી સરકારના એજન્ડામાં ખેડૂતોના દેવામાફીની યોજના છે. હાર્દિક આ લોકો પાસે અપેક્ષા ન રાખે. મોદી અને તેમની સાથે જોડાયેલા લોકો અહંકારથી ભરાયેલા છે. આ લોકો લોકક્રાંતિમાં વિશ્વાસ નથી રાખતા.” એમ હરિશ રાવતે જણાવ્યું હતું.