(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
ભાજપના હરિયાણા એકમમાં ઊભા થયેલા મતભેદો રવિવારે જાહેર થયા કે જ્યારે રસાયણ અને ખાતર મંત્રી રાવ ઈન્દ્રજીતસિંઘે કહ્યું કે આવનારી ર૦૧૯ની ચૂંટણીમાં ખટ્ટર સરકાર સાંસદોની મદદ કરશે નહીં. ગુરૂગ્રામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાવ ઈન્દ્રજીતસિંઘે કહ્યું કે તેમને ચૂંટણીમાં ખટ્ટર સાહેબ પાસેથી કોઈ જ અપેક્ષા નથી. સિંઘે કહ્યું કે જે હીરો હોન્ડા ચોકનું ઉદ્દઘાટન થવાનું હતું તે હું મારા તરફથી કરીને આવ્યો. તમે સમય આપ્યો હતો પરંતુ તમે ના પહોંચ્યા, પણ હું ત્યાં જઈને આવ્યો તમારી પાસે અંગત સચિવ છે, તમે ફોન કર્યો હોત તો કોઈને તો સંદેશ મોકલવો જોઈએ કે અમે ત્યાં ઊભા રહ્યા. કેન્દ્રનો કાર્યક્રમ હોય, કેન્દ્રના પૈસાનો ઉપયોગ થઈ રહ્યો હોય અને આપણે ફરીને જતાં રહીએ, એવું આપણે નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે, રાવ ઈન્દ્રજીતસિંઘ યુપીએમાં કોંગ્રેસના મોટા નેતા હતા. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંંહની પહેલી સરકારમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી. રાજકીય ગલીઓમાં ત્યારે ચર્ચા હતી કે હરિયાણાના તત્કાલિન સીએમ ભૂપેન્દ્રસિંહ હુડાની સાથે મતભેદોને કારણે તેમણે મંત્રી પદ ગુમાવવું પડ્યું.