National

હરિયાણામાં મસ્જિદના પ્રવેશદ્વાર પર જ બજરંગના ગુંડાઓ દ્વારા ઇમામ સાથે મારપીટ

હિસાર, તા. ૧૨
હરિયાણાના હિસારમાં એક મસ્જિદના ઇમામ સાથે મારપીટ કરી ‘ભારત માતા કી જય’ના સૂત્રો પોકારવા મજબૂર કરાયાની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર આ મામલે બજરંગ દળના ૧૦૦-૧૨૫ જેટલા કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરાઇ છે. મસ્જિદના ઇમામ આબિદ હુસૈને આરોપ લગાવ્યો છે કે, બજરંગ દળના કાર્યકરો અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પર હુમલો કરી તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, હુમલો કરનારા લોકો કોણ હતા પરંતુ તેમના તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. હરિયાણા મુસ્લિમ કલ્યાણ કમિટીના અધ્યક્ષ હરફૂલ ભટ્ટીએ જણાવ્યું હતું કે, જ્યારે આબિદ હુસૈન મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે બજરંગ દળના લોકોએ તેમને લાફો માર્યો હતો. એક ટીવી ચેનલે દર્શાવ્યું કે, બજરંગ દળના કાર્યકરો કહી રહ્યા હતા કે, અમારી કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રીને માગ છે કે, જેઓ અમારી સાથે આટલો અત્યાચાર કરી રહ્યા છે તેમના માટે સબસિડી અને અમારા માટે ગોળીઓ ચલાવી રહ્યા છો. ત્યારબાદ હરિયાણાના બજરંગ દળે જાહેરાત કરી હતી કે, હરિયાણામાં જેટલા મુસ્લિમો રહે છે તેમને અહીં રહેવા દઇશું નહીં. તેમને રાજ્યમાંથી બહાર ભગાડી દઇશું અને જો એક પણ મુસ્લિમ ગેરકાયદેસર દેખાશે તો તેને બાળી નાખીશું. બજરંગ દળના કાર્યકરે ત્યારબાદ કહ્યું હતું કે, આ દેશમાં રહેવા છતાં તેઓ ભારત માતાની જય નથી બોલતા, જ્યાં મુસ્લિમ બહુમતી વિસ્તારો છે ત્યાં હિંદુ સુરક્ષિત નથી અને દરેક જગ્યાએ હુમલાઓ થઇ રહ્યા છે. જ્યારે જ્યાં હિંદુ બહુમતી વિસ્તારો છે ત્યાં મુસ્લિમોને કોઇ ભય નથી.