(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ રદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને પત્ર પાઠવીને ભારત સામે માનવ અધિકાર ભંગની ફરિયાદ કરી છે. આ પત્રમાં પાકિસ્તાને માત્ર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિવેદનને ટાંક્યું નથી પરંતુ તેમાં હરિયાણાના મુખ્યમંત્રી ભાજપના નેતા મનોહર લાલ ખટ્ટર અને ભાજપના ઉત્તર પ્રદેશના ધારાસભ્ય વિક્રમ સૈનીના નામ પણ સામેલ છે. પાકિસ્તાનનના માનવ અધિકાર પ્રધાન શિરીન મિજારી તરફથી લખવામાં આવેલા સાત પાનાના પત્રમાં હરિયાણાના મુખ્યમંત્રીનું ૧૦મી ઓગસ્ટનું નિવેદન ટાંક્વામાં આવ્યું છે. પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કાશ્મીર હવે ખુલી ગયું છે, કન્યાઓને કાશ્મીરથી અહીં લાવી શકાશે. જોકે, બાદમાં ખટ્ટરે આને એક ‘મજાક’ ગણાવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ એવી ટિપ્પણી કરી હતી કે નવી જોગવાઇઓથી પક્ષના મુસ્લિમ કાર્યકરોએ પણ ખુશ થવું જોઇએ. મુસ્લિમ કાર્યકરો હવે કાશ્મીરની સુંદર યુવતીઓ સાથે લગ્ન કરી શકશે. અગાઉ, રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક એવા રિપોટ્‌ર્સ આવ્યા છે કે જમ્મુ અને કાશ્મીરમાં ખોટું થઇ રહ્યું છે… આ મહત્વપૂર્ણ છે કે ભારતના વડાપ્રધાન અને સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જે કંઇ પણ થઇ રહ્યું છે, તેના વિશે બહુ પારદર્શક થવું જોઇએ. મીડિયાના અહેવાલોમાં આ વાત બહાર આવ્યા બાદ પાકિસ્તાને યુએનને લખેલા પત્રમાં રાહુલ ગાંધીનું નિવેનદન ટાંક્યું હતું.