(એજન્સી) કરનાલ, તા.૧
પવિત્ર રમઝાન માસમાં હરિયાણાના કરનાલમાં આવેલ મસ્જિદમાં નમાઝ પઢતા લોકો સાથે મારપીટ અને મસ્જિદની દીવાલ તોડી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલ મુજબ, કરનાલના નેવલ ગામના મુસ્લિમ સમુદાયના જણાવ્યા અનુસાર, મસ્જિદમાં બાંગ (અઝાન) માટે લગાવેલા સ્પીકરોના તાર તોડીને મુસ્લિમ સમાજના લોકોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી છે. અઝાનનો અવાજ સાંભળીને ગુસ્સે ભરાયેલા લોકોએ હંગામો મચાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકો મસ્જિદમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ અને મારપીટ શરૂ કરી દીધી હતી. ઘટના બાદ મુસ્લિમ બિરાદરોને અધવચ્ચેથી નમાઝ અટકાવવી પડી, ભયભીત લોકોએ એકજૂથ થઈને કુંજપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. ગામના સ્થાનિક મુસ્લિમ સમુદાય મારપીટ, જાનથી મારી નાખવાની જેવી ધમકી અને સ્પીકરના તાર તોડી પડાયા હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, ઘટના સમયે સ્પીકર બંધ હતું અને અઝાન થોડાંક જ સમય માટે પોકારવામાં આવે છે, અઝાનના સમયે તેઓ સ્પીકરનો અવાજ ઓછો રાખે છે. પીડિત લોકોએ ગામના જ કેટલાક લોકો આ મામલામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે.