નવી દિલ્હી, તા.ર૧
હરમનપ્રીત કૌરે પોતાની ઐતિહાસિક ઈનિંગ દરમ્યાન અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આઈસીસી વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં હરમનપ્રીતે ભારતના પુરૂષ ખેલાડીઓને પણ પાછળ પાડી દીધા છે. આઈસીસી પુરૂષ વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવવાના મામલામાં રોહિત શર્મા પ્રથમ સ્થાને છે. હરમનપ્રીતે ૧૭૧ રન બનાવી રોહિતને પાછળ પાડી દીધો છે. આ ઉપરાંત પણ તે અનેક રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે. ભારત તરફથી વર્લ્ડકપ મેચમાં સૌથી વધારે વ્યક્તિગત રન બનાવવાના મામલામાં પણ હરમનપ્રીત પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પહેલા આ રેકોર્ડ કપ્તાન મિતાલી રાજના નામે હતો. મહિલા વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી વધારે સદી બનાવવાના મામલામાં હરમનપ્રીત પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. કૌરે ૧૩ મેચ રમતા બે સદી ફટકારી છે જ્યારે મિતાલીરાજ બીજા સ્થાને છે.