(એજન્સી)નવી દિલ્હી, તા.રપ
જાણીતા માનવ અધિકારોના એક્ટિવિસ્ટ પૂર્વ સનદી અધિકારી હર્ષ મંદેરે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) બાબત ચિંતા વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે, એનઆરસીના ર૦૦૩ના નિયમો હેઠળ એનપીઆર એનઆરસીનો મૂળભૂત પાયો છે. એમણે વધુમાં કહ્યું છે કે, એનપીઆર એનઆરસીને આસામ કરતાં પણ વધુ જોખમી બનાવશે કારણ કે, આ જોગવાઈ હેઠળ સરકાર શંકાસ્પદ નાગરિકોની ધરપકડ કરી શકે છે. એમણે ટ્‌વીટ કરી લખ્યું છે. એનઆરસીના ર૦૦૩ના નિયમો મુજબ એનપીઆર ફકત એનઆરસીનો મૂળભૂત પાયો જ નથી પણ એ એનઆરસીને વધુ જોખમી બનાવશે, જે આસામ કરતાં પણ વધુ હશે. આસામમાં બધા પૂર્વગ્રહો હોવા છતાં બધા નાગરિકોને એમના દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું હતું. એનપીઆર દ્વારા શંકાસ્પદ નાગરિકની ધરપકડ કરવાની પણ જોગવાઈ છે અને અમને બધાને ખબર છે કે કોની ધરપકડ કરાશે. અહીં નોંધનીય છે કે, ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે એનપીઆર અપડેટ કરતી પ્રક્રિયાને મંજૂરી આપી હતી અને એ સાથે ર૦ર૧ની વસ્તી ગણતરી પ્રક્રિયાને પણ બહાલી આપી હતી. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, એનપીઆર અપડેટ કરવા માટે ૩૯૪૧.૩પ કરોડ અને વસ્તી ગણતરી માટે ૮૭પ૪.ર૩ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અનુમાન છે.