(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના પાંડેસરા જીયાવ-બુડીયા રોડ પરથી ગત ૬ એપ્રિલના રોજ ૧૧ વર્ષિય માસુમ બાળકીની બળાત્કાર અને હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ચકચારિત બનાવની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે મુજબ આરોપી હર્ષ સહાય ગુર્જરની ધરપકડ કરી છે. તેણે ઘરમાં જ માસૂમ બાળકીની હત્યાની કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રે તેની પત્નીની રમાદેવીને પૂછપરછ કરવા પોલીસ મથકે બોલાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાંડેસરામાંથી માસુમ બાળકી અને મહિલાની હત્યા તેમજ બળાત્કાર કરાયેલી લાશ મળી આવી હતી. આ બન્ને બનાવમાં મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી. ૩ મે સુધીના પોલીસ રિમાન્ડ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. હર્ષસહાયએ સૌથી પહેલાં મિત્ર હરીઓમ ગુર્જર સાથે મળી સફેદ કલરની કારમાં મહિલાનું ગળુ દબાવી તેની હત્યા માસૂમ બાળકીની હાજરીમાં જ કરી હતી. ત્યારબાદ બાળકીને પોતાના ઘરે લઇ ગયો હતો. ઘરમાં રાખેલ બાળકીએ હર્ષસહાયની પત્ની રમાદેવી અને ભાઈને જણાવ્યું હતું કે, તેની માતાની હત્યા હર્ષસહાયએ ગળુ દબાવી કરી છે. તેથી ઉશ્કેરાયેલા હર્ષસહાયે ઘરમાં જ પત્નીની હાજરીમાં માસૂમ બાળકીનું ગળુ દબાવી હત્યા કરી અને ત્યારબાદ લાશનો નિકાલ કાળા કલરની સેવરોલેટ સ્પાર્ક કારમાં કર્યો હતો. માસૂમ બાળકીની હત્યાને નજરે જાનાર હર્ષસહાયની પત્નીની ગત રાત્રે ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી. માસૂમ બાળકી અને તેની માતાની હત્યા હર્ષસહાયે કરી હોવા છતાં પણ પત્ની દ્વારા આ વાતને દબાવી દઈ પોલીસને જાણ ન કરી આરોપીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. આગામી દિવસોમાં હર્ષસહાયની પત્ની સામે પોલીસે કાનૂની પગલાં લેનાર હોવાનું જાણવા મળે છે.