(એજન્સી) તા.૨૭
ક્રિકેટર મોહંમદ શમીની પત્ની હસીન જહાએ ભારતીય ક્રિકેટર અને તેના પરિવાર વિરુદ્ધ એક સનસનીખેજ દાવો કર્યો છે. હસીન જહાએ જણાવ્યું છે કે મારો કેસ પણ કઠુઆ રેપ કેસની પીડિતા જેવો છે. શમી વિરુદ્ધ ઘરેલુ હિંસા અને બેવફાદારીનો કેસ દાખલ કરનાર હસીન જહાએ જણાવ્યું હતું કે મારો કેસ પણ કઠુઆ કેસની બળાત્કાર પીડિતા જેવો છે પરંંતુ હું જીવતી છું. કઠુઆ મામલામાં પીડિતા સાથે જે કંઇ થયું તેમાંથી મારે પણ પસાર થવું પડ્યું છે. તેમણે મારી સાથે રેપ કરવાની યોજના ઘડી હતી અને ત્યારબાદ તેઓ મને મારી નાખીને મારી લાશને એક જંગલમાં ફેંકી દેવા ઇચ્છતા હતા. બે મહિના વિતી ગયા છે પરંતુ હું તેની વિરુદ્ધ એકલા હાથે લડી રહી છું. હસીન જહાએ ભયાનક કઠુઆ રેપ કેસ વિરુદ્ધ ૨૩ એપ્રિલે કોલકાત્તા ખાતે યોજાયેલ એક વિરોધ કૂચમાં ભાગ લેતા આવો દાવો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે જે લોકોએ અપરાધ આચર્યો હોય તેમને સજા થવી જોઇએ. હસીન જહાએ દરમિયાન વચગાળાના સમય માટે પ્રતિ માસ રૂા.૧૦ લાખનું વળતર માગ્યું છે. હસીન જહાએ કુટુંબ નિર્વાહ માટે રૂા. ૭ લાખની માગણી કરી છે જ્યારે બાળક માટે પ્રતિ માસ રૂા.૩ લાખની માગણી કરી છે. તેના વકીલોના જણાવ્યા પ્રમાણે અદાલતને આ કેસની ગંભીરતા સમજાઇ ગઇ છે અને તેથી તાકિદના ધોરણે તેની સુનાવણી હાથ ધરવા નિર્ણય કર્યો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અદાલતે આ મુદ્દે શમીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
અગાઉ માર્ચમાં હસીન જહા આ કેસના સંદર્ભમાં પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને મળી હતી. મમતા રાજ્ય વિધાનસભા ખાતે ક્રિકેટરના પત્નીને ૧૫ મિનિટ મળ્યા હતા અને શમી વિરુદ્ધ જહાની ફરિયાદ સાંભળી હતી.