(એજન્સી) દુબઇ, તા. ૩૦
ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા બાદ હવે દેશની વધુ એક દિકરી પાકિસ્તાની ક્રિકેટરની પત્ની બનવા જઇ રહી છે. તેમના નિકાહ આગામી મહિને ૨૦મી ઓગસ્ટે થશે. હરિયાણાના નૂહની રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ઝડપી બોલર હસનઅલી સાથે નિકાહ કરશે જેની હાલ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. શામિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસનઅલી અને નૂહની ચંદેની નિવાસી શામિયાના નિકાહ એટલાન્ટિસ પાર્ક ઝુબેરા પાર્ક હોટલમાં થશે. બંનેના પરિવાર ૧૭મી ઓગસ્ટે દુબઇ જશે.
અહેવાલો અનુસાર શામિયાના પરિવારના આશરે ૧૦ સભ્યો ૧૭મી ઓગસ્ટે દુબઇ જઇ રહ્યા છે. તેના પિતા પૂર્વ બીડીપીઓ લિયાકતઅલીએ જણાવ્યું કે, દિકરીના લગ્ન નક્કી કરવા છે પછી તે ભારત હોય કે પાકિસ્તાન તેનાથી કોઇ ફેર પડતો નથી. તેમણે કહ્યું કે, ભાગલા સમયે તેમના પરિવારના ઘણા સભ્યો પાકિસ્તાન જતા રહ્યા હતા જેમની સાથે આજે પણ તેમનો સંપર્ક છે. શામિયાની સગાઇ તેના પરદાદાના પરિવાર દ્વારા થઇ હતી. લિયાકત અલીએ જણાવ્યં કે, પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહી ચુકેલા સરદાર તુફૈલ અને તેમના દાદા સગા ભાઇ હતા. ભાગલા બાદ તેમના દાદા અહીં ભારતમાં જ રહ્યા અને તેમના ભાઇ પાકિસ્તાન જતા રહ્યા હતા. શામિયાએ માનવ રચના યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરીંગમાં બીટેક કર્યું છે. પહેલા તે જેટ એરવેઝમાં હતી અને હવે છેલ્લા ત્રણ વર્ષથી એર અમિરાતમાં કામ કરી રહી છે.