(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સામાન્ય વર્ગ માટે અનામતના બિલ અંગે રાજ્યસભામાં મંગળવારે ચર્ચા દરમિયાન રસપ્રદ સ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે સાંસદ તરફથી પુછાયેલા સલાવ અંગે મંત્રીના જવાબનો ઉલ્લેખ કર્યો હતો. અહમદ પટેલ દ્વારા મંત્રીના જવાબને વાંચી સંભળવ્યા બાદ સમગ્ર રાજ્યસભામાં હાસ્યનું મોજુ રેલાયું હતું. બિલ પર ચર્ચા દરમિયાન અહમદ પટેલે કહ્યું કે, હું કોઇની ટિકા-ટિપ્પણી કરવા માગતો નથી. એક દિવસ પહેલા લોકસભામાં કે. પ્રભાકર રેડ્ડીએ લેખિત પ્રશ્ન કર્યો હતો જેને હું ફક્ત વાંચીને સંભળાવી રહ્યો છું. તેમણે પ્રભાકર રેડ્ડીના નિવેદનને વાંચતા કહ્યું કે, શું સરકાર ઉચ્ચ સમુદાયના ગરીબ વિદ્યાર્થીઓ માટે અનામત માટેની સંભાવના જોઇ રહી છે. જો હા તો તેની વિગતો શું છે, જો ના તો તેના કારણ શું છે. શું સરકારને ઉચ્ચ સમુદાયના જેવા કે મહારાષ્ટ્રના મરાઠી, રાજસ્થાનના રાજપૂત, ઉત્તરપ્રદેશના ઠાકુરો દ્વારા અનામત માગવા સંબંધી અરજીઓ મળી છે, જો હા તો તેની વિગતો ક્યાં છે ? સરકાર આ સંબંધે શું કાર્યવાહી કરી રહી છે ?
અહમદ પટેલે કહ્યું, પણ મંત્રીએ શું જવાબ આપ્યો તે વધુ રસપ્રદ છે. તેમણે જવાબને પણ વાંચીને સંભળાવ્યું જેમાં મંત્રીએ જવાબ વાંચ્યો હતો કે, હાલ એવો કોઇ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી, અહમદ પટેલે તેને વાંચીને સંભળાવ્યું અને કહ્યું કે, આ સરકાર એવી રીતે કામ કરી રહી છે કે જમણા હાથને ખબર જ નથી કે ડાબો હાથ શું કરી રહ્યો છે અને ડાબા હાથને ખબર નથી કે જમણો હાથ શું કરે છે. અહમદ પટેલે આ વાત સંસદમાં કરતા જ હાસ્યને રેલો છૂટ્યો હતો. વાસ્તવમાં સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે અનામત સંબંધી બિલ લઇને આવી પણ સવાલ અનુસાર મંત્રીએ જવાબ ના આપતા અહમદ પટેલની પ્રતિક્રિયા બાદ રાજ્યસભાના સાંસદોએ કહ્યું કે આ તો અહમદ પટેલે ગુગલી મારી.