અમદાવાદ,તા.૨૫
આરટીઇ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ અપાવવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં આજે રાજય સરકારે સોગંદનામું રજૂ કરી હજુ પ્રવેશથી વંચિત રહેલા ૪૫,૫૩૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જવાબદારીમાંથી હાથ ઉંચા કર્યા હોવાનો ગંભીર આક્ષેપ અરજદાર સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા કરવામાં આવ્યો છે. અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજય સરકારે આજે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસમાં જરૂરી સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને રાજયભરમાંથી આરટીઇ હેઠળ પ્રવેશ અંગેની કુલ ૧,૮૭,૬૬૦ અરજીઓ મળી હતી, તેમાંથી ૧,૪૭,૭૫૩ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જેમાંથી ૧,૨૮,૮૮૧ અરજીઓ રિસિવીંગ સેન્ટર દ્વારા મંજૂર કરાઇ છે. તેમાંથી ૧,૨૫,૭૮૪ વિદ્યાર્થીઓના પ્રવેશ ડીપીઇઓ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ પૈકીના ૮૦, ૧૬૫ બાળકોના સ્કૂલમાં પ્રવેશ ફાળવાયો છે, જયારે બાકીના ૭૨,૨૯૪ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. અરજદાર દ્વારા વધુમાં જણાવ્યું કે, અમો અરજદારે પિટિશનમાં ૪૫,૫૩૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવાનો બાકી હોવાથી જે આંકડાકીય માહિતી રજૂ કરી તે આરટીઇ ગુજરાત ઓઆરજી સરકારની વેબસાઇટ પરથી જ મેળવીને રજૂ કરી છે, તેમ છતાં સરકારે આ બાળકોના પ્રવેશ માટે બીજો રાઉન્ડ જાહેર કરવાની અમારી માંગણીને આધાર પુરાવા વિનાની અને અસ્થાને ગણાવી છે. જો સરકારના સોગંદનામા પ્રમાણે આંકડાકીય માહિતી ગણતરી કરીએ તો, ૧,૮૭,૬૬૦ અરજીઓમાંથી ૧,૨૫,૭૮૪ બાળકોને જ પ્રવેશ ગણીએ તો, બાકી રહ્યા ૬૧,૮૭૬ એટલે કે, આટલા વિદ્યાર્થીઓ હજુ પ્રવેશથી વંચિત રહ્યા છે. આમ, ડેપ્યુટી ડાયરેકટર દ્વારા સંતોષજનક જવાબ રજૂ કરાયો નથી. સરકારના સોગંદનામા પરથી જ સ્પષ્ટ થાય છે કે, સરકાર પોતે જ નબળા અને પછાત વર્ગના બાળકોને આરટીઇ એક્ટ હેઠળ પ્રવેશ આપવાની જોગવાઇનું પાલન કરવા તૈયાર નથી. ધોરણ-૧માં ખાનગી શાળાઓમાં પ્રવેશથી વંચિત રહેલા ૪૫,૫૩૨થી વધુ બાળકોને પ્રવેશ આપવામાંથી હવે સરકારે હાથ ઉંચા કરી દીધા હોય તેમ જણાય છે. આ કેસમાં હવે આવતીકાલે અરજદારપક્ષ તરફથી રિજોઇન્ડર ફાઇલ કરાય તેવી શકયતા છે. હાઇકોર્ટે સમગ્ર કેસની વધુ સુનાવણી તા.૨૭મી જૂનના રોજ રાખી હતી.